અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – રાત્રિના અંધકારમાં લીલા લાકડાની હેરાફેરીનો આક્ષેપ, રેલ્લાવાડા વિસ્તારમાં કુણોલથી મેઘરજ અને ટિંટોઈ તરફ લાકડાની હેરાફેરી થતી હોવાની ચર્ચાઓ..!!
રેલ્લાવાડા વિસ્તારમાં કુણોલથી મેઘરજ અને ટિંટોઈ તરફ લાકડાની હેરાફેરી થતી હોવાની ચર્ચા; લીલા લાકડાથી ભરેલા ટ્રેક્ટરનો વીડિયો સામે આવ્યો

અરવલ્લી જિલ્લામાં લાકડાની હેરાફેરીનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. મેઘરજ તાલુકામાં રાત્રિના સમયે લીલા લાકડાની હેરાફેરી થતી હોવાના આક્ષેપો વચ્ચે લીલા લાકડાથી ભરેલા ટ્રેક્ટરનો વીડિયો સામે આવતાં અનેક સવાલો ઊભા થયા છે.
મળતી માહિતી અને સ્થાનિક સ્તરે થતી ચર્ચા મુજબ, રેલ્લાવાડા વિસ્તારના કુણોલથી મેઘરજ તરફ તેમજ ટિંટોઈ તરફ રાત્રિના સમયે લીલા લાકડાની હેરાફેરી થતી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આ લાકડાની હેરાફેરી કાયદેસર છે કે ગેરકાયદેસર તે અંગે સ્પષ્ટતા થવી જરૂરી બની છે.
બીજી તરફ, સમગ્ર મામલે વનવિભાગની કામગીરી સામે પણ સવાલો ઊઠી રહ્યા છે. રાત્રિના સમયે લાકડાથી ભરેલા ટ્રેક્ટરોની અવરજવર થતી હોવાના આક્ષેપો વચ્ચે વનવિભાગના જવાબદાર કર્મચારીઓ આ બાબતથી અજાણ છે કે પછી કોઈની રહેમનજર હેઠળ આવી હેરાફેરી ચાલી રહી છે તે અંગે પણ ચર્ચાઓ જામી છે. જોકે, કર્મચારીઓની સંડોવણી અંગે હાલ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
સ્થાનિક લોકો દ્વારા સમગ્ર મામલે વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક તપાસ કરે, લાકડાની હેરાફેરીની કાયદેસરતા ચકાસે અને જો ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે.હવે જોવાનું એ રહ્યું કે લીલા લાકડાની હેરાફેરીના આક્ષેપો અંગે વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ તપાસ હાથ ધરે છે કે કેમ અને સમગ્ર મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે.









