અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ટિંટોઈ નજીક 150થી વધુ સિમેન્ટની બેગો પથ્થર જેવી બની, બિનવારસી હાલતમાં મળી આવી હોવાના દ્રશ્યો સામે આવ્યા – સરકારી રૂપિયાની ગ્રાન્ટ સિમેન્ટ સ્વરૂપે પથ્થરમાં ફેરવાઈ..?
અરવલ્લી જિલ્લામાં રોડ-રસ્તાનાં કામોમાં વપરાતા મટિરિયલની ગુણવત્તા સામે સવાલો
ટિંટોઈ નજીક 150થી વધુ સિમેન્ટની બેગો પથ્થર જેવી બની બિનવારસી હાલતમાં મળી આવી હોવાના દ્રશ્યો સામે આવ્યા
અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં સરકારી ગ્રાન્ટમાંથી હાથ ધરવામાં આવતાં રોડ-રસ્તાનાં વિકાસકાર્યોમાં વપરાતા બાંધકામ મટિરિયલની ગુણવત્તા અને કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ટિંટોઈથી શણગાલ તરફ જતા માર્ગ પર ટિંટોઈ નજીક 150થી વધુ સિમેન્ટની બેગો પથ્થર જેવી બની ગયેલી હાલતમાં જોવા મળતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

મળતી વિગતો મુજબ RCC કામ, ગરનાળા તેમજ ડીપ બ્રિજના બાંધકામમાં ઉપયોગમાં લેવાતા સિમેન્ટની બેગો સ્થળ પર બિનવારસી હાલતમાં પડી હોવાનું સામે આવ્યું છે. સિમેન્ટની બેગો પથ્થર જેવી બની જતાં તેનો ઉપયોગ થઈ શકે તેવી સ્થિતિ રહી ન હોવાનું દ્રશ્યો પરથી જણાઈ રહ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા સિમેન્ટની બેગો સ્થળ પર જ છોડી દેવામાં આવી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.આ સમગ્ર મામલે અનેક સવાલો ઊભા થયા છે. સરકારી ગ્રાન્ટમાંથી ખરીદવામાં આવેલો સિમેન્ટ બાંધકામમાં ઉપયોગમાં લેવાયો હતો કે પછી બેદરકારીના કારણે બગડી ગયો જો સિમેન્ટનો ઉપયોગ થયો ન હોય તો તેની જવાબદારી કોની..? સરકારી નાણાંમાંથી ખરીદાયેલા મટિરિયલનો હિસાબ કોણ આપશે..?
સૌથી મોટો સવાલ એ પણ છે કે બાંધકામની કામગીરી દરમિયાન SO સહિતના જવાબદાર અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી કે નહીં..? જો તપાસ કરવામાં આવી હોય તો આટલી મોટી સંખ્યામાં સિમેન્ટની બેગો બિનઉપયોગી બની જવા પાછળનું કારણ શું છે..?
હવે તંત્ર દ્વારા આ મામલે સ્થળ તપાસ કરી સિમેન્ટની ખરીદી, જથ્થો, વપરાશ અને બાકી રહેલા મટિરિયલ અંગે તપાસ કરવામાં આવે તેવી માગ ઊઠી છે. સરકારી ગ્રાન્ટના નાણાંનો યોગ્ય ઉપયોગ થયો છે કે નહીં અને જવાબદાર કોન્ટ્રાક્ટર કે અધિકારીઓની બેદરકારી સામે આવી છે કે કેમ તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.સરકારી સિમેન્ટ પથ્થર બન્યો, પણ જવાબદારી કોની? અરવલ્લી જિલ્લાના વિકાસકાર્યોમાં વપરાતા મટિરિયલની ગુણવત્તા અને સરકારી નાણાંના વપરાશ અંગે હવે તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.









