તા.06/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

SOP ગાઇડલાઇન કાગળ પર જ રહી? વઢવાણ મેળામાં અકસ્માત બાદ તંત્ર અને પોલીસ મંજૂરી સામે ઉઠ્યા ગંભીર સવાલો
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે યોજાયેલા લોકમેળામાં મોડી રાત્રે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આનંદ અને ઉલ્લાસથી ભરેલો મેળો ક્ષણવારમાં શોકમાં ફેરવાઈ ગયો હતો, જ્યારે એક ચાલુ ચકડોળમાંથી અચાનક પટકાતાં એક માસૂમ બાળકીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. મળતી પ્રાથમિક વિગતો અનુસાર, મૃતક બાળકીની ઓળખ નિહારીકા તરીકે થઈ છે. સૌથી દુઃખદ બાબત એ સામે આવી છે કે મૃતક બાળકી એક પોલીસ કર્મચારીની જ પુત્રી હતી. પોતાની બાળકીને ખોઈ બેસતાં પોલીસ પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકની કાલિમા છવાઈ ગઈ છે. આ ઘટના બાદ મેળો યોજવા માટે તંત્ર દ્વારા આપવામાં આવેલી મંજૂરી અને સુરક્ષાના દાવોઓ સામે અનેક સવાલો ઊભા થયા છે. તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે મેળાને તમામ નિયમો અને SOP ગાઇડલાઇન મુજબ જ પરમિશન આપવામાં આવી હતી. પરંતુ જો SOPનું પાલન થતું હતું, તો આવી ઘાતક અકસ્માત સર્જાયો કેવી રીતે? ચકડોળ અને મેળાના અન્ય રાઈડ્સની ફિટનેસ તથા મિકેનિકલ સુરક્ષા તપાસવામાં તંત્રથી કોઈ મોટી બેદરકારી રહી ગઈ છે કે કેમ, તે અંગે પણ લોકમુખે ચર્ચાઓ જાગી છે. પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા આપવામાં આવેલી મંજૂરીઓ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હાલમાં આ મામલે પોલીસે ચકડોળ સંચાલકો સામે અને અકસ્માતના કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ ઘટનાએ વહિવટી તંત્રની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે.








