પ્રતિનિધિ ગોધરા તા.6
નિલેશભાઈ દરજી શહેરા 
હરિજાંબા પ્રાથમિક શાળાના શિક્ષક દક્ષેશકુમાર પટેલને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત
શિક્ષક દિનના પાવન અવસરે જિલ્લા પંચાયત ગોધરાના વહીવટી તંત્ર દ્વારા ગોવિંદી સ્થિત હરિજાંબા પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક દક્ષેશકુમાર બી. પટેલને વર્ષ ૨૦૨૬ માટે તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષક દિન નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં મળેલા સન્માનથી શાળા પરિવાર અને સમગ્ર શિક્ષક સમાજમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ છે.
આ સન્માન સમારોહમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દક્ષેશકુમારને શાલ ઓઢાડી, પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમની ઉત્કૃષ્ટ શૈક્ષણિક કામગીરીને બિરદાવતા રૂપિયા ૫,૦૦૦ નો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો. તેઓને આ પુરસ્કાર આચાર્યના માર્ગદર્શન હેઠળ શિક્ષણક્ષેત્રે બતાવેલી સતત નિષ્ઠા, સમર્પણ અને નવીન અભિગમ બદલ આપવામાં આવ્યો છે.
ગ્રામ્ય વિસ્તારના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે અને તેમનામાં આત્મવિશ્વાસ, સંસ્કાર તથા સર્જનાત્મકતાનો વિકાસ થાય તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે. શાળાના બાળકોના શૈક્ષણિક અને સર્વાંગી વિકાસ માટે તેમણે કરેલા નોંધપાત્ર કાર્યોની નોંધ લઈને જ આ પારિતોષિક માટે તેમની પસંદગી કરવામાં આવી હતી. દક્ષેશભાઈએ આગામી દિવસોમાં પણ શાળા અને બાળકોના ઉત્કૃષ્ટ વિકાસ માટે હંમેશા કાર્યરત રહેવાની નેમ વ્યક્ત કરી છે.
આ પ્રતિષ્ઠિત સન્માન મેળવવા બદલ હરિજાંબા પ્રાથમિક શાળાના આચાર્ય, સમગ્ર સ્ટાફગણ, SMC સભ્યો તથા કલસ્ટરના માર્ગદર્શક સી.આર.સી ગોવિંદસિંહ દ્વારા દક્ષેશભાઈને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. દક્ષેશકુમારની આ સિદ્ધિ સમગ્ર શાળા પરિવાર માટે ગૌરવની ક્ષણ બની છે અને તેમનું સમર્પણ અન્ય શિક્ષકો માટે પણ ઉત્તમ પ્રેરણારૂપ બની રહેશે.








