વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પોતાનુનામ અને દેખાવ બદલી દ્રાક્ષ-દાડમની વાડીમાં ખેતમજૂરી કરતો આરોપી ત્રણ માસ બાદ ડાંગ એલ.સી.બી.પોલીસના હાથે ઝડપાયો..
ડાંગ જિલ્લાનાં આહવા સબ જેલમાંથી જેલગાર્ડને ધક્કો મારી ફરાર થયેલા તથા ખૂન અને મારામારીના ગુનામાં વોન્ટેડ આરોપીને ડાંગ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના શિરસગાંવ ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા ત્રણ માસથી નામ અને દેખાવ બદલી દ્રાક્ષ તથા દાડમની વાડીમાં ખેતમજૂરી કરીને નાસતો ફરતો હતો.પ્રાપ્ત વિગતો મુજબ, સુરત વિભાગ, સુરતના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ (IPS) દ્વારા “નો વોન્ટેડ ઇન સાઉથ ગુજરાત અભિયાન” અંતર્ગત નાસતા-ફરતા તથા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.જેના અનુસંધાને ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક પૂજા યાદવના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડીમરી અને જનેશ્વર નલવૈયાની સૂચના હેઠળ ડાંગ એલ.સી.બીનાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જે.જી. અનડકટ તથા તેમની ટીમે આરોપીને ઝડપી પાડવા માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો હતો.લોકલ ક્રાઈમ બ્રાન્ચની પોલીસ ટીમે ડાંગ તથા આસપાસના જંગલ અને પહાડી વિસ્તારોમાં દિવસ-રાત પગપાળા ટ્રેકિંગ કરી તેમજ હ્યુમન સોર્સ મારફતે માહિતી એકત્રિત કરી હતી.આ દરમિયાન એલ.સી.બી. ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, વઘઈ પોલીસ સ્ટેશનના ખૂનના ગુનામાં વર્ષ ૨૦૨૩થી આહવા સબ જેલમાં કસ્ટડીમાં રહેલો અને જેલગાર્ડને ધક્કો મારી ફરાર થયેલો વોન્ટેડ આરોપી વિજય મંગુભાઈ ધુમ નાસિક જિલ્લાના શિરસગાંવ ખાતે નામ અને દેખાવ બદલી દ્રાક્ષ તથા દાડમની વાડીમાં ખેતમજૂરી કરી રહ્યો છે.આ બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમ મહારાષ્ટ્ર પહોંચી હતી અને અલગ-અલગ ટીમો બનાવી વેશપલટો કરીને વાડી વિસ્તારમાં આરોપીની વોચ ગોઠવવામાં આવી હતી.આ દરમિયાન શિરસગાંવ ખાતે ‘અજય ગાયકવાડ’ નામથી ખેતમજૂરી કરતો શખ્સ જ વોન્ટેડ આરોપી વિજય મંગુભાઈ ધુમ હોવાનું જણાઈ આવ્યું હતુ.જેથી પોલીસે દાડમ તથા દ્રાક્ષની વાડીને ચારે તરફથી કોર્ડન કરી આરોપીને ઝડપી પાડ્યો હતો.ડાંગ એલ.સી.બી.પોલીસે આરોપીને વધુ તપાસ તથા પુનઃ જેલ હવાલે કરવાની કાર્યવાહી માટે આહવા-ડાંગ ખાતે લાવી આહવા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.ડાંગ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડી પાડેલ આરોપી નામે વિજય મંગુભાઈ ધુમ, ઉંમર ૩૯ વર્ષ, રહે. નાની દાબદર ગામ, તા. વઘઈ, જિ. ડાંગનાઓ સામે (૧) વઘઈ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૧૯૦૦૭૨૩૦૧૭૨/૨૦૨૩, ઈ.પી.કો. કલમ ૩૦૨ મુજબના ગુનામાં પોતાની પત્નીની હત્યા કરવાના આરોપસર આહવા સબ જેલ ખાતે કસ્ટડીમાં હતો.(૨) આહવા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૧૯૦૦૨૨૬૦૩૦૮/૨૦૨૬, ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૬૧(૨), ૨૬૨, ૧૫૭, ૨૬૪ અને ૧૩૨ મુજબના ગુનામાં આહવા સબ જેલ ખાતે કસ્ટડી દરમિયાન જેલગાર્ડને ધક્કો મારી ફરાર થયો હતો. ડાંગ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પી.એસ.આઈ.જે.જી.અનડકટ સહીત પોલીસ કર્મીઓએ સફળ કામગીરી હાથ ધરી આરોપીને ફરી જેલનાં સળિયા પાછળ ધકેલી દીધો છે..





