“એ કેળવણી જીવન સાથે નાડી સંબંધ ધરાવનારી હોય.” આ વિધાન જાણીતા સાહિત્યકાર અને કેળવણીકાર મનુભાઈ પંચોળી ‘દર્શક’નું છે. દર્શકની આ પંક્તિને ચરિતાર્થ કરતાં ચણાકા ગામની શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર માધ્યમિક શાળાનાં ગણિત-વિજ્ઞાન શિક્ષિકા સુશ્રી મીરા વૈષ્ણવ શિક્ષણને માત્ર પાઠ્યપુસ્તક પૂરતું સીમિત ન રાખી તેને વિજ્ઞાન, પર્યાવરણ, ઇનોવેશન અને અનુભવ સાથે જોડી રહ્યાં છે. કહેવાય છે કે “શિક્ષક કભી સાધારણ નહીં હોતા”, અને આ વાત મીરાબેનના કાર્યમાં સાર્થક થતી જોવા મળે છે. પોતાના ગામ, રાજ્ય અને દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે તેઓ પોતાના વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રે અગ્રેસર બને તે માટે સતત પ્રયત્નશીલ છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક-શિક્ષક ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના હસ્તે ‘મીરાબેન એવોર્ડ’થી સન્માનિત થયેલાં મીરાબેન જણાવે છે કે કલામ સાહેબ પાસેથી તેમને ‘જ્ઞાન, જુનૂન અને કરુણા’ને મહાન શિક્ષક બનવા માટેની ત્રણ મહત્વની બાબતો તરીકે અપનાવવાની પ્રેરણા મળી છે. છેલ્લાં ૧૦ વર્ષથી ગણિત અને વિજ્ઞાન શિક્ષક તરીકે કાર્યરત મીરા વૈષ્ણવ પોતાના વિદ્યાર્થીઓને ઇનોવેટિવ માધ્યમો દ્વારા સતત નવીન જ્ઞાનથી જોડવાનું કાર્ય કરે છે. વિવિધ લોકવિજ્ઞાન પ્રવૃત્તિઓ, STEM આધારિત પ્રવૃત્તિઓ, પ્રયોગો અને ક્વિઝના માધ્યમથી તેમણે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવ્યો છે. તેમના માર્ગદર્શન હેઠળ ૨૫થી વધુ વિદ્યાર્થીઓ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી લાખો રૂપિયાના ઇનામો પ્રાપ્ત કરી ચૂક્યા છે. વિજ્ઞાન ક્ષેત્રે કાર્યરત વિવિધ રાજ્ય અને રાષ્ટ્રીય સંસ્થાઓ સાથે વિદ્યાર્થીઓને સીધા જોડીને તેઓ તેમને પ્રત્યક્ષ જ્ઞાન આપવાનો પ્રયાસ કરે છે. અત્યાર સુધીમાં ૧૬૦થી વધુ સંસ્થાઓ સાથે વિદ્યાર્થીઓને જોડ્યા હોવાનું તેઓ જણાવે છે. સાયન્સ સિટી, ઈસરો, પ્રકૃતિ શિબિરો અને સાસણગીર જેવી જગ્યાઓની મુલાકાત દ્વારા બાળકોને અનુભવજન્ય અને પ્રેક્ટિકલ શિક્ષણ મળે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ છે. છેલ્લા છ વર્ષથી એજ્યુકેશનલ ઇનોવેશન ક્ષેત્રે પણ સક્રિય રહી તેમનું ઇનોવેશન રાજ્ય કક્ષા સુધી પહોંચ્યું છે તથા આ વર્ષે રાજ્ય કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ ફેરની નિર્ણાયક સમિતિમાં પસંદગી થતાં તેમણે આ જવાબદારી પણ નિભાવી છે. બાળકો માટે ગણિતના મૂળભૂત ખ્યાલો સરળતાથી સમજાય તે માટે તેમણે બેઝિક કન્સેપ્ટ ગણિતનું પુસ્તક પણ તૈયાર કર્યું છે. પર્યાવરણ સંરક્ષણને શિક્ષણ સાથે જોડીને મીરા વૈષ્ણવે અનેક સર્જનાત્મક પહેલ હાથ ધરી છે. ‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ના અભિગમ હેઠળ પ્લાસ્ટિક વેસ્ટમાંથી ૩૦૦થી વધુ શિક્ષણ આધારિત રમકડાં અને મોડેલ્સ તૈયાર કરાવ્યાં છે, જેમાં ગણિત, રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રના ખ્યાલોને સરળતાથી સમજાવી શકાય તેવા મોડેલ્સનો સમાવેશ થાય છે અને આ પ્રવૃત્તિઓની રાષ્ટ્રીય કક્ષા સુધી પસંદગી થઈ હોવાનું તેઓ જણાવે છે. કોરોના કાળમાં શાળાઓ બંધ હોવા છતાં તેમણે ઘરે-ઘરે જઈ બાળકોને પ્રાયોગિક શિક્ષણ આપીને શિક્ષણને આફતમાંથી અવસરમાં પલટાવવાનો પ્રયાસ કર્યો હતો. બાળકો પ્રકૃતિપ્રેમી બને તે માટે વનવિભાગની વિવિધ પ્રવૃત્તિઓ અને શિબિરોમાં તેમને સહભાગી બનાવી “પ્રકૃતિ આપણી મા છે, તેનું જતન એટલે આવતીકાલનું જતન”નો સંદેશ આપવાનો તેઓ પ્રયાસ કરે છે. શાળા કક્ષાએ પ્રાર્થના સભા અને વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણને આનંદદાયી બનાવવાની સાથે બાળકો મોબાઇલથી દૂર રહે અને રમતગમત તથા જ્ઞાન સાથે જોડાય તે માટે પણ તેઓ સતત કાર્યરત છ
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ








