દેશના અનેક વિસ્તારો ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં હાલ ચોમાસું પૂરજોશમાં ચાલી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં પૂર્વ યુપી, પશ્ચિમ મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને મિઝોરમમાં ભારે વરસાદ (7-11 સેમી) નોંધાયો છે. યુપીમાં બનેલા લો પ્રેશરના કારણે આગામી ચાર દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ અને આકાશી વીજળી પડવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 11 સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં (ઉત્તરી આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા તટ નજીક) નવી લો પ્રેશર સિસ્ટમ (Low Pressure Area) સક્રિય થવાની પ્રબળ સંભાવના છે.
પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 12 થી 14 સપ્ટેમ્બર અને છત્તીસગઢ તથા પૂર્વ મધ્ય પ્રદેશમાં 10 થી 14 સપ્ટેમ્બર દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થશે.
ઓડિશામાં 10 સપ્ટેમ્બરે અને અરૂણાચલ પ્રદેશમાં 12 સપ્ટેમ્બરે અત્યંત ભારે વરસાદનું એલર્ટ છે. તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા અને વિદર્ભમાં 11 થી 14 સપ્ટેમ્બર દરમિયાન વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉત્તરાખંડમાં 10 સપ્ટેમ્બરથી ચાર દિવસ માટે ભારે વરસાદ રહી શકે છે. જ્યારે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પંજાબમાં 8 થી 13 સપ્ટેમ્બર વચ્ચે માત્ર છૂટોછવાયો વરસાદ થશે.
અંદમાન અને નિકોબારના લોંગ આઇલેન્ડ તથા અસમના આમ્રઘાટમાં સૌથી વધુ 12 સેમી વરસાદ નોંધાયો છે. આ સિવાય પશ્ચિમ બંગાળના હલ્દિયામાં 10 સેમી, પૂર્વ યુપીના મોહમ્મદી અને મિઝોરમના કોલાસિબમાં 9 સેમી, તથા ઓડિશાના નવરંગપુરમાં 8 સેમી વરસાદ પડ્યો છે.
દિલ્હી-એનસીઆરમાં 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે, અને તાપમાન 34°C થી 36°C ની વચ્ચે રહેશે. પરંતુ 11 સપ્ટેમ્બરથી હવામાન બદલાશે અને ઘનઘોર વાદળો સાથે હળવાથી મધ્યમ વરસાદના બે રાઉન્ડ આવશે, જેનાથી મહત્તમ તાપમાન ઘટીને 31°C થી 33°C થઈ જશે અને ગરમીથી રાહત મળશે.
ગુજરાતમાં 12 સપ્ટેમ્બરથી ફરી વરસાદી માહોલ જામશે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની IMDએ આગાહી કરીને યલો એલર્ટ જાહેર કર્યુ છે. ગુજરાતના વિવિધ ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનું જોર ઘટ્યા બાદ હવે ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવાના એંધાણ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ની તાજેતરની આગાહી મુજબ, આગામી 12 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદી માહોલમાં નોંધપાત્ર વધારો થશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યું છે.
હવામાન વિભાગના બુલેટિન અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન (14 સપ્ટેમ્બર સુધી) રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદ અને વાવાઝોડા સાથે છાંટા પડવાની સંભાવના છે. જોકે, 12 અને 13 સપ્ટેમ્બરના રોજ હવામાન પ્રણાલી વધુ સક્રિય બનશે.
દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ મૂશળધાર વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન અનેક જિલ્લાઓમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે વીજળી પડવાની શક્યતા છે.
ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેશે.
હવામાન નિષ્ણાતોના મત અનુસાર, મધ્ય ઉત્તર પ્રદેશ પર સક્રિય લો-પ્રેશર સિસ્ટમ હવે નબળી પડીને પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ ફંટાઈ છે. પરંતુ, આગામી 11 સપ્ટેમ્બરની આસપાસ પશ્ચિમ-મધ્ય અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તેમજ ઉત્તર આંધ્રપ્રદેશ-દક્ષિણ ઓડિશા દરિયાકાંઠે એક નવું નીચા દબાણનું ક્ષેત્ર સર્જાવા જઈ રહ્યું છે. આ નવી સિસ્ટમ સક્રિય થવાને કારણે 12 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધશે અને વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે.
હાલમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોટાભાગે શુષ્ક હવામાન નોંધાયું છે, પરંતુ આગામી દિવસોમાં બનનારી આ સિસ્ટમ રાજ્યના ખેડૂતો માટે રાહતના લાવી શકે છે.











