અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા PTC કોલેજમાં વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ,તાલીમાર્થીઓએ સમકાલીન મુદ્દાઓ પર અસરકારક વિચારો રજૂ કર્યા
મોડાસા: એમ.કે. શાહ લાટીવાળા પી.ટી.સી. કોલેજ, મોડાસા ખાતે તાલીમાર્થીઓમાં વક્તૃત્વ કૌશલ્ય, આત્મવિશ્વાસ, અભિવ્યક્તિ ક્ષમતા તેમજ સમકાલીન મુદ્દાઓ અંગે વિચારશક્તિનો વિકાસ થાય તે હેતુથી વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના પ્રારંભે કોલેજના આચાર્ય ડૉ. સંતોષ દેવકરે શાબ્દિક સ્વાગત કરી તાલીમાર્થીઓને વક્તૃત્વ કળાનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે તાલીમાર્થીઓને આત્મવિશ્વાસપૂર્વક પોતાના વિચારો રજૂ કરવા પ્રેરણા આપી હતી.

વક્તૃત્વ સ્પર્ધા માટે ‘શિક્ષક સમાજનો સાચો ઘડવૈયો’, ‘સોશિયલ મીડિયા : આશીર્વાદ કે અભિશાપ?’ અને ‘આજનો યુવા : શિક્ષિત છતાં બેરોજગાર’ જેવા ત્રણ વિષયો રાખવામાં આવ્યા હતા. તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સામાજિક અને શૈક્ષણિક મુદ્દાઓ અંગે પોતાના વિચારો તર્કબદ્ધ તથા અસરકારક રીતે રજૂ કર્યા હતા.સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડૉ. દિગ્ગજભાઈ શાહ, ડૉ. ઉર્વીબેન પટેલ અને પ્રા. વ્રજેશભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. નિર્ણાયક મંડળ દ્વારા તાલીમાર્થીઓના વક્તવ્યનું વિવિધ માપદંડોના આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
સ્પર્ધામાં પંચાલ પ્રિયાબેન પ્રથમ, પરમાર સાહિલભાઈ દ્વિતીય અને ડામોર કમલેશભાઈ તૃતીય ક્રમે વિજેતા બન્યા હતા. મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ તથા પ્રભારી મંત્રી જયેશભાઈ દોશીએ વિજેતા તાલીમાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન તાલીમાર્થી બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. વક્તૃત્વ સ્પર્ધા દ્વારા તાલીમાર્થીઓમાં જાહેર વક્તૃત્વ, આત્મવિશ્વાસ, અભિવ્યક્તિ અને વિચારશક્તિના વિકાસને પ્રોત્સાહન મળ્યું હતું.










