રૂ.૧.૭૧ કરોડના ખર્ચે સરીયદ બ્રિજની પ્રોટેક્શન વર્ક અને બેરિંગ રીપ્લેસમેન્ટ કામગીરી પૂર્ણ

કાંસા-સરીયદ-સાંપ્રા-ઉંદરા માર્ગ પર સરીયદ બ્રિજ બન્યો વધુ મજબૂત અને સુરક્ષિત

પ્રકાશ આર રાવળ
પાટણ

પાટણ જિલ્લામાં માર્ગ અને મકાન રાજ્ય વિભાગ હસ્તકના પાટણ પેટા વિભાગ દ્વારા નાગરિકોની સલામતી અને સુવિધાને પ્રાધાન્ય આપી કાંસા-સરીયદ-સાંપ્રા-ઉંદરા રોડ કિ.મી. ૦/૦૦ થી ૧૭/૬૮૦ મુખ્ય જિલ્લા માર્ગ પર આવેલ સરીયદ બ્રિજની પ્રોટેક્શન વર્ક તથા બેરિંગ રીપ્લેસમેન્ટની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થતાં બ્રિજની મજબૂતાઈ અને સ્થિરતામાં વધારો થયો છે, જેના પરિણામે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે વાહનવ્યવહાર વધુ સુરક્ષિત અને સુગમ બનશે

પાટણ પેટા વિભાગ હેઠળના આ મુખ્ય જિલ્લા માર્ગની સાંકળ કિ.મી. ૮/૨૦૦ થી ૮/૮૦૦ પર આવેલા સરીયદ બ્રિજની પ્રોટેક્શન વર્ક તથા બેરિંગ રીપ્લેસમેન્ટની કામગીરી માટે સરકારશ્રી દ્વારા તા.૧૨/૦૩/૨૦૨૬ના પત્રથી રૂ.૧૭૧.૦૦ લાખની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. સમગ્ર પ્રોજેક્ટમાં સરીયદ ગામ પાસે આવેલા મેજર બ્રિજના પ્રોટેક્શન વર્ક તથા બેરિંગ રીપ્લેસમેન્ટની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઇજારદાર શ્રી રાધે બિલ્ડટેક, મહેસાણાને તા.૦૧/૦૫/૨૦૨૬ના રોજ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો, જે અંતર્ગત સમગ્ર કામગીરી ઇજારદાર દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.

બ્રિજની કામગીરી દરમિયાન નાગરિકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે અને ચાલુ કામ દરમિયાન પણ વાહનવ્યવહાર અવિરત જળવાઈ રહે તે હેતુથી માર્ગ અને મકાન વિભાગ, પાટણ દ્વારા ચાલુ ટ્રાફિક વચ્ચે બેરિંગ રીપ્લેસમેન્ટની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. કામગીરીના પ્રારંભે બ્રિજના હાલના બેરિંગની સ્થિતિ, ક્રેક તથા ડિસ્પ્લેસમેન્ટની તપાસ કરી જરૂરી સલામતી વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ બ્રિજના સુપર સ્ટ્રક્ચર એટલે કે ગર્ડરને ઉપાડવા માટે પિયર કેપ અને એબટમેન્ટ ઉપર હાઈડ્રોલિક જેક મુકવામાં આવ્યા હતા અને ગર્ડરને બંને બાજુએ સમાન લેવલથી આશરે ૨૫ થી ૩૦ મી.મી. જેટલો ઊંચો કરવામાં આવ્યો હતો.

સુપર સ્ટ્રક્ચર જેક ઉપર આવ્યા બાદ જૂના ઘસાયેલા તથા ક્ષતિગ્રસ્ત બેરિંગને કાળજીપૂર્વક દૂર કરી પેડેસ્ટલની સફાઈ કરવામાં આવી હતી. બેરિંગના પેડેસ્ટલ પર થયેલા ક્રેક તથા લેવલની ખામીને નોન-શ્રિંક ગ્રાઉટ અને માઈક્રો કોંક્રિટ દ્વારા રીપેર કરી લેવલમાં સુધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડિઝાઈન મુજબના નવા ઈલાસ્ટોમેરીક બેરિંગને યોગ્ય સ્થાને સ્થાપિત કરી તેની દિશા તથા લેવલની ચકાસણી કરવામાં આવી હતી. હાઈડ્રોલિક જેકને ધીરે-ધીરે નીચે ઉતારી ગર્ડરનો સંપૂર્ણ લોડ નવા બેરિંગ પર ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. અંતે બેરિંગની કામગીરી, ગર્ડરનું એલાઈનમેન્ટ તથા એક્સપાન્શન જોઈન્ટની ચકાસણી કર્યા બાદ બ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

સરીયદ બ્રિજની પ્રોટેક્શન વર્ક તથા બેરિંગ રીપ્લેસમેન્ટની કામગીરી પૂર્ણ થવાથી બ્રિજના સ્ટ્રક્ચરની સ્થિરતા અને મજબૂતાઈમાં વધારો થતાં તેનું આયુષ્ય વધશે તેમજ વાહનવ્યવહાર વધુ સુરક્ષિત બનશે. ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન પૂરના સમયે થતા ધોવાણ સામે બ્રિજને વધુ રક્ષણ મળશે, જેના કારણે કાંસા-સરીયદ-સાંપ્રા-ઉંદરા સહિતના ગામો વચ્ચે બારેમાસ વાહનવ્યવહાર જળવાઈ રહેશે. બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર વધુ સુગમ બનતા ખેડૂતોને કૃષિ પેદાશોના પરિવહનમાં સરળતા રહેશે તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને ૧૦૮ જેવી ઇમરજન્સી સેવાઓને પણ ઝડપી પરિવહનનો લાભ મળશે.

કાંસા-સરીયદ-સાંપ્રા-ઉંદરા માર્ગ પાટણ તાલુકાના મહત્વના ગ્રામ્ય વિસ્તારોને જોડતો મુખ્ય માર્ગ હોવાથી સરીયદ બ્રિજની કામગીરી પૂર્ણ થવાથી આ વિસ્તારો વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. માર્ગ વ્યવસ્થા વધુ સુદૃઢ બનતાં સ્થાનિક રોજગાર અને આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળશે તથા વાહનવ્યવહાર વધુ સુરક્ષિત બનતા અકસ્માતનું જોખમ ઘટાડવામાં મદદરૂપ થશે.

આમ, રૂ.૧૭૧.૦૦ લાખના ખર્ચે હાથ ધરાયેલી સરીયદ બ્રિજની પ્રોટેક્શન વર્ક તથા બેરિંગ રીપ્લેસમેન્ટની કામગીરી પૂર્ણ થતાં પાટણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને સુરક્ષિત, સુગમ અને વધુ મજબૂત માર્ગ સુવિધાનો લાભ પ્રાપ્ત થશે.

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો