સિદ્ધપુરમાં પોષણ ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ

THR, મિલેટ્સ અને સરગવામાંથી બનતી પોષણક્ષમ વાનગીઓનું પ્રદર્શન

‘સુપોષિત પરિવાર–સ્વસ્થ સમાજ’ના સંકલ્પ સાથે પોષણ અંગે જનજાગૃતિનો સંદેશ

પ્રકાશ આર. રાવળ, પાટણ

પાટણ જિલ્લાના ICDS વિભાગના જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ ICDS સિદ્ધપુર ઘટક-૧ અને ઘટક-૨ દ્વારા BRC ભવન ખાતે ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારીશ્રી ચેતનકુમાર પ્રજાપતિના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ટેક હોમ રાશન (THR), શ્રી અન્ન મિલેટ્સ તેમજ સરગવાનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવેલી વિવિધ પોષણક્ષમ વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ THR બાલશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણશક્તિ ઉપરાંત બાજરી, જુવાર, રાગી, રાજગરો, મોરૈયો, કોદરી વગેરે મિલેટ્સનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરી રજૂ કરી હતી. સાથે જ સરગવાના ઉપયોગથી બનતી પોષણક્ષમ વાનગીઓ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.

પૌષ્ટિક વાનગી સ્પર્ધા અંતર્ગત ICDS સિદ્ધપુર ઘટક-૧ની ૨૪ તથા ઘટક-૨ની ૧૮ વાનગીઓ, એમ કુલ ૪૨ વાનગીઓ રજૂ કરવામાં આવી હતી. મિલેટ્સ અને THRમાંથી તૈયાર કરવામાં આવેલી વાનગીઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ મિલેટ્સ, THR તથા સ્થાનિક સ્તરે ઉપલબ્ધ પૌષ્ટિક ખાદ્ય સામગ્રીના મહત્તમ ઉપયોગ દ્વારા બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. પોષણક્ષમ આહાર અંગે જનસમુદાયમાં જાગૃતિ કેળવવા તેમજ સ્થાનિક અને પૌષ્ટિક ખાદ્ય સામગ્રીના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો.

આ પ્રસંગે સીડીપીઓશ્રી રંજનબેન શ્રીમાળી, શીતલબેન ચૌધરી, મેડિકલ ઓફિસરશ્રી ડૉ. અહેસાન અલી, વિસ્તરણ અધિકારીશ્રી વિપુલભાઈ પરમાર, નાયબ મામલતદારશ્રી તેમજ તમામ મુખ્ય સેવિકા બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

‘સુપોષિત પરિવાર–સ્વસ્થ સમાજ’ના સંકલ્પને સાકાર કરવા માટે પોષણ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ પોષણક્ષમ આહાર અપનાવવા અને અન્ય લોકોને પણ પ્રેરિત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો