વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ગિરિમથક સાપુતારામાં ઝીપ લાઈન એક્ટિવિટીનાં ટેન્ડર વિના સીધા કોન્ટ્રાક્ટ સામે ભારે આક્રોશ:-ગેરરીતિઓની તપાસ અને કામગીરી તાત્કાલિક અટકાવવા કલેક્ટરને આવેદનપત્ર અપાયું પ્રાપ્ત માહિતી મુજબ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સાપુતારા ખાતે તળાવ નજીક ચાલી રહેલી ‘ઝીપ લાઈન એક્ટિવિટી’માં ગંભીર ગેરરીતિઓ, ભ્રષ્ટાચાર અને જાહેર સુરક્ષાના નિયમોના સરેઆમ ભંગ અંગે સ્થાનિક અરજદાર મનીષભાઈ મારકણા દ્વારા ડાંગ જિલ્લા કલેક્ટરને એક વિગતવાર આવેદનપત્ર પાઠવીને આ કામગીરી તાત્કાલિક રોકવાની અને ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, સાપુતારા ખાતે અગાઉ પાયલોટ પ્રોજેક્ટ સફળ રહ્યા હોવા છતાં, કોઈ પણ પ્રકારની જાહેર સ્પર્ધાત્મક ઈ-ટેન્ડર પ્રક્રિયા કે વર્તમાનપત્રોમાં જાહેરાત આપ્યા વિના એક જ ચોક્કસ ખાનગી એજન્સીને સીધો લાભ પહોંચાડવાના હેતુથી આ કામગીરી સોંપી દેવામાં આવી છે.આર.ટી.આઈ. (RTI) એક્ટ હેઠળ માહિતી માંગવા છતાં એજન્સીના પૂર્વ અનુભવ કે તકનીકી યોગ્યતા સંબંધિત કોઈ માન્ય પ્રમાણપત્રો રજૂ કરવામાં આવ્યા નથી, જેનાથી જવાબદાર કચેરી અને અધિકારીઓની ભૂમિકા સામે ગંભીર શંકાઓ ઊભી થઈ છે.તળાવની મધ્યમાંથી પસાર થતી ઝીપ લાઈન એ એક જોખમી એડવેન્ચર સ્પોર્ટ હોવાથી તેમાં આંતરરાષ્ટ્રીય સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ, ટેકનિકલ સ્ટેબિલિટી, સેફ્ટી ગિયર્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અનિવાર્ય હોય છે. બિનઅનુભવી એજન્સી દ્વારા કામગીરી થવાના કારણે પર્યટકો અને જાહેર જનતાની સુરક્ષા જોખમમાં મુકાઈ છે અને ભવિષ્યમાં કોઈ અકસ્માત સર્જાય તો તેની કાયદેસરની જવાબદારી કોની રહેશે તે અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.આ ઉપરાંત, ખુલ્લું ટેન્ડર બહાર ન પાડવાથી રાજ્યની તિજોરીને પણ મોટું આર્થિક નુકસાન (રોયલ્ટી નુકસાન) થયું હોવાનો આક્ષેપ કરાયો છે. અરજદાર દ્વારા માંગણી કરવામાં આવી છે કે, આ અનધિકૃત પ્રોજેક્ટ પર તાત્કાલિક સ્ટે/સ્ટોપ-વર્ક ઓર્ડર આપવામાં આવે, વર્ક ઓર્ડર આપવાની સમગ્ર ફાઈલની નિષ્પક્ષ કમિટી દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ થાય અને દોષિત અધિકારીઓ સામે શિસ્તભંગના પગલા લેવામાં આવે તેવી માંગ કરી છે.જો આગામી ૧૫ દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ મામલે વિજિલન્સ કમિશન (ગાંધીનગર), ગુજરાત પ્રવાસન નિગમ અને ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે..
તસવીર પ્રતિકાત્મક









