એસ.આર.પી. જૂથ-૦૩, મડાણા ખાતે ગુજરાત રાજ્ય DGP કપ-૨૦૨૬ અંતર્ગત કબડ્ડી ક્લસ્ટર સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ

30 ઓક્ટોમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

કબડ્ડી અને ખો-ખો જેવી દેશી રમતો ભારતીય વારસાનું પ્રતીક: એસ.આર.પી. ગ્રૂપ-૩ મડાણા ખાતે કબડ્ડી ક્લસ્ટર સ્પર્ધાનું આયોજન.રાજ્ય અનામત પોલીસ દળ, જૂથ-૦૩, મડાણા ખાતે કબડ્ડી ક્લસ્ટર સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાના ઉદ્ઘાટન સમારોહ જૂથ-૦૩, મડાણાના સેનાપતિશ્રી દિનેશસિંહ ચૌહાણના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.
જૂથ-૦૩, મડાણાના સેનાપતિશ્રી દિનેશસિંહ ચૌહાણ દ્વારા સ્પર્ધાનો વિધિવત્ શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે, રમતગમતથી પોલીસ દળમાં શારીરિક તંદુરસ્તી, ટીમ સ્પિરિટ અને પરસ્પર સહકારની ભાવના મજબૂત બને છે. રાજ્યના વિવિધ શહેરો, જિલ્લાઓ, રેન્જ અને જેલ વિભાગમાંથી પોલીસ રમતવીરો એકત્રિત થયા છે, ત્યારે આ સ્પર્ધા ખેલદિલી, શિસ્ત અને પોલીસ દળની એકતાનું ઉત્તમ ઉદાહરણ બની રહેશે. કબડ્ડી અને ખો-ખો જેવી પરંપરાગત સ્વદેશી રમતોના મહત્ત્વ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, આ રમતો ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત વારસાને જાળવી રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.ઉદ્ઘાટન સમારોહ દરમિયાન પોલીસ બેન્ડની સુમધુર સુરાવલી અને ભવ્ય આતશબાજી વચ્ચે વિવિધ ટીમો દ્વારા શિસ્તબદ્ધ ફ્લેગ માર્ચ પાસ્ટ રજૂ કરવામાં આવ્યો હતો. સ્પર્ધામાં ૦૯ પુરુષ અને ૦૮ મહિલા કબડ્ડી ટીમો તેમજ ૦૪ પુરુષ અને ૦૫ મહિલા ખો-ખો ટીમો સહિત વિવિધ શહેરો, જિલ્લાઓ, રેન્જ અને જેલ વિભાગની ટીમોએ ભાગ લીધો છે. આ પ્રસંગે જૂથના મદદનીશ સેનાપતિશ્રી આર.એલ. ડાંખરા, બનાસકાંઠા જિલ્લા કબડ્ડી એસોસિએશનના પ્રમુખ શ્રી રાકેશભાઈ પ્રજાપતિ તથા નેશનલ ખો-ખો કોચ શ્રી સંદીપભાઈ નાયક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં, મડાણા ખાતેની એસડીઆરએફ ટીમ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન દરમિયાન કરવામાં આવતી કામગીરી તથા તેમાં ઉપયોગમાં લેવાતાં સાધનોની પ્રદર્શન મારફતે માહિતી આપવામાં આવી હતી. સ્પર્ધાનું સમગ્ર દેશમાં નિહાળી શકાય તે માટે યુટ્યુબ મારફતે લાઇવ પ્રસારણની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
ઉદ્ઘાટન સમારોહ બાદ યોજાયેલી પ્રથમ પુરુષ કબડ્ડી લીગ મેચમાં હથિયારી એકમોની ટીમે જેલ વિભાગની ટીમ સામે વિજય મેળવ્યો હતો, જ્યારે મહિલા વર્ગની અમદાવાદ રેન્જ અને જેલ વિભાગ વચ્ચે રમાયેલી બીજી મેચમાં અમદાવાદ રેન્જની મહિલા ટીમ વિજેતા બની હતી. ઉપસ્થિત મહાનુભાવોએ જીવંત મેચ નિહાળી રમતવીરોનો ઉત્સાહ વધાર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ જૂથ-૦૩, મડાણાના સેનાપતિશ્રી દિનેશસિંહ ચૌહાણની અધ્યક્ષતા અને મદદનીશ સેનાપતિશ્રી આર.એલ. ડાંખરાના માર્ગદર્શન હેઠળ આયોજન સમિતિના સુસંગત આયોજન અને સંકલનથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો