અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
SH-59 પર ભારે વાહનોના પ્રવેશ પર બે મહિના માટે પ્રતિબંધ, અકસ્માતો અને ટ્રાફિક નિયંત્રણ માટે અરવલ્લી જિલ્લા મેજિસ્ટ્રેટનો હુકમ

મોડાસા : નવરચિત અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક મોડાસા શહેર વહીવટી અને શૈક્ષણિક કેન્દ્ર હોવાના કારણે જિલ્લામાં આવેલી વિવિધ સરકારી કચેરીઓને કારણે શહેરમાં રોજિંદા વાહનવ્યવહારનું ભારણ સતત વધી રહ્યું છે. ઉપરાંત અરવલ્લી જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો હોવાથી પરપ્રાંતિય વાહનોની અવરજવર પણ મોટા પ્રમાણમાં રહે છે.
અરવલ્લી જિલ્લામાંથી વડોદરા-મુંબઈ તરફ જવા માટે મુખ્યત્વે SH-59 (મોડાસા-ધનસુરા-બાયડ-નડિયાદ) અને SH-05 (મોડાસા-માલપુર-લુણાવાડા-ગોધરા) માર્ગોનો ઉપયોગ થાય છે. SH-05 ટોલ માર્ગ હોવાથી ટેક્સ બચાવવા રાજ્ય બહારના ભારે વાહનો SH-59નો વધુ ઉપયોગ કરતા હોવાની રજૂઆતો જિલ્લા તંત્રને મળી હતી. તેના પરિણામે SH-59 પર ટ્રાફિકનું ભારણ વધવા સાથે અવારનવાર અકસ્માતો સર્જાતા હોવાની પણ ફરિયાદો સામે આવી હતી.આ મુદ્દે જિલ્લા કક્ષાની ટ્રાફિક સલાહકાર તથા પોલીસ સલાહકાર સમિતિમાં ચર્ચા કરવામાં આવી હતી. તેમજ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. જાહેર જનતાની સલામતી, ટ્રાફિક સમસ્યાનું નિયંત્રણ અને ગંભીર અકસ્માતો ઘટાડવાના હેતુથી જિલ્લા તંત્ર દ્વારા SH-59 પર ભારે વાહનોની અવરજવર નિયંત્રિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અરવલ્લી જિલ્લા મેજિસ્ટ્રેટ મિલિન્દ બાપના, IAS દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 33(1)(ખ) હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ મુજબ તા. 9 સપ્ટેમ્બર 2026થી તા. 7 નવેમ્બર 2026 સુધી, દરરોજ સવારે 8:00 કલાકથી રાત્રે 8:00 કલાક સુધી મોટર વ્હીકલ એક્ટ મુજબ ભારે વાહનની વ્યાખ્યામાં આવતા તમામ પ્રકારના નોંધાયેલા ભારે વાહનોને SH-59 પર અવરજવર કરવા પ્રતિબંધ રહેશે.પ્રતિબંધિત ભારે વાહનોને અવરજવર માટે વૈકલ્પિક માર્ગ તરીકે ચારમાર્ગીય SH-05 (મોડાસા-માલપુર-લુણાવાડા-ગોધરા) અથવા NH-48 (શામળાજી-હિંમતનગર-ચિલોડા) પૈકી અનુકૂળ માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.









