વાડીનારના તલાટીઓ સામેની ફોજદારીથી લગડી જમીન ગેરરીતિઓની આશંકાને વધુ એક સમર્થન — ….. ત્યારે કલેક્ટરના પત્ની એ કહ્યું ……. (એ જાણીતો જોક પણ અત્રે પ્રસ્તુત છે)

વાડીનારના તલાટીઓ સામેની ફોજદારીથી લગડી જમીન ગેરરીતિઓની આશંકાને વધુ એક સમર્થન — ….. ત્યારે કલેક્ટરના પત્ની એ કહ્યું ……. (એ જાણીતો જોક પણ અત્રે પ્રસ્તુત છે)

હાલારમાં વર્ષોથી ચાલતી જમીન ગેરરીતિની ચર્ચાને વાડીનારના કેસથી મળ્યો વેગ
હલાર પંથકમાં જમીન સંબંધિત વિવિધ કથિત ગેરરીતિઓ અંગે વર્ષોથી અનેક રજૂઆતો, ફરિયાદો, અરજીઓ, તપાસની માગણી કરતા પત્રો, શંકાઓ અને ચર્ચાઓ ચાલતી આવી છે. હવે વડિણારની જમીનના રેકર્ડ સાથે કથિત ચેડાં કરવા બદલ બે તલાટી-કમ-મંત્રીઓ સામે ફોજદારી ગુનો નોંધાતા આ સમગ્ર મુદ્દાએ ખાસ્સું ધ્યાન ખેંચ્યું છે.
નોંધપાત્ર બાબત એ છે કે આ કેસમાં કથિત કૃત્યો આજથી 21 અને 23 વર્ષ જૂનાં હોવાનું સામે આવ્યું છે. તે સમયે હાલના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિસ્તારો અવિભાજિત જામનગર જિલ્લાના ભાગ હતા. આ સમયગાળા દરમિયાન પેટ્રોલિયમ આધારિત બે મોટા હેવી ઇન્ડસ્ટ્રીઝ તથા તેમના આનુષંગિક એકમો પણ કામગીરી શરૂ કરી ચૂક્યા હતા. આવા સંજોગોમાં હવે તપાસ આગળ વધતાં આ સમગ્ર પ્રકરણમાં અન્ય કોઈની સંડોવણી બહાર આવે છે કે કેમ તે અંગે પણ આ મામલાથી પરિચિત લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

વાડીનાર ના બે તલાટી સામે ફોજદારી કેસ
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં—જામખંભાળિયા, દ્વારકા શહેર, વાડીનાર તથા અન્ય બંદર સંલગ્ન જમીનો, જામનગર, લાલપુર અને જામજોધપુર તાલુકાની જમીનો, ભાણવડની ખેતી તથા જંગલની જમીનો, વિવિધ અભયારણ્યો સાથે સંકળાયેલી જમીનો, હેવી ઇન્ડસ્ટ્રીઝ સંલગ્ન જમીનો, સરકારી જમીનો, દરિયાકાંઠા તથા દરિયાઈ વિસ્તારની જમીનો, રજવાડા સમયની જૂની જમીનો, રસ્તાને અડીને આવેલી જમીનો તેમજ ભવિષ્યમાં રસ્તો પસાર થવાની સંભાવના ધરાવતી જમીનો, રેલવે લાઇન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંલગ્ન જમીનો, યાત્રાધામ તથા પ્રવાસન સાથે જોડાયેલી જમીનો, ખનિજ અને મીઠાની જમીનો, વેસ્ટ લાઇનની જમીનો, સરકારી ખરાબા અને પડતર જમીનો, લીઝ તથા સનદની જમીનો, જૂની અને નવી શરતની જમીનો, વિવિધ સરકારી યોજનાઓ હેઠળ ફાળવાયેલી જમીનો, વાડા તથા પશુપાલન સંલગ્ન જમીનો, ધાર્મિક અને ચેરિટેબલ ટ્રસ્ટની જમીનો, સંપાદિત જમીનો, વાડી તથા ભાગની જમીનો, વારસાઈ જમીનો સહિત જમીનની અનેક કેટેગરી અંગે મહેસૂલી રેકર્ડમાં ચેડાંના પ્રશ્નો સમયાંતરે ઉપસ્થિત થતા રહ્યા છે.
આ ઉપરાંત 7/12 ઉતારા, ગામના રેકર્ડ, ફોર્મ નં. 8-અ, ગામ નમૂના નં. 2 તથા મૂળ મહેસૂલી દસ્તાવેજોમાં ચેડાં કરવાના આક્ષેપો અને ચર્ચાઓ પણ થતી રહી છે. કથિત રીતે બદલાયેલા રેકર્ડ અસલી દેખાય તે માટે ત્યારબાદ તાબડતોબ વ્યવહારો કરી નાખવામાં આવતા હોવાની પણ ચર્ચા થતી રહી છે.
મહેસૂલ વિભાગ, ગ્રામ્ય તથા સિટી સર્વે રેકર્ડ, ગામતળ અને હદ-સીમાના રેકર્ડ સાથે જોડાયેલા આવા જટિલ પ્રશ્નો ઘણી વખત આંતરિક વિવાદ અથવા કોઈ મોટો વિવાદ ઊભો થાય ત્યારે જ પ્રકાશમાં આવતા હોય છે.
આવા રેકર્ડ સાથે સંકળાયેલા કર્મચારીઓ—તલાટી, કોમ્પ્યુટર અથવા રેકર્ડ ઓપરેટર, કારકુન, સર્કલ ઓફિસર, નાયબ મામલતદાર, જમીન સર્વે કર્મચારીઓ તથા લેન્ડ રેકર્ડ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ—નાના કે મોટા લાભ માટે કથિત ગેરરીતિમાં સંડોવાતા હોવાના આક્ષેપો પણ ક્યારેક કરવામાં આવે છે. જોકે, આવા તમામ આક્ષેપો તપાસ અને પુરાવાથી જ સાબિત થઈ શકે છે.
છેલ્લા આશરે અઢી દાયકાથી હલારના કેટલાક વિસ્તારોમાં આવી પ્રવૃત્તિઓ જડ પકડી ગઈ હોવાની ચર્ચાઓ થતી રહી છે. કેટલાક કિસ્સામાં 70, 80 કે 100 વર્ષ જૂની જમીન પણ મૂળ હિતધારકોને તાત્કાલિક જાણ ન થાય તે રીતે કથિત રીતે હસ્તાંતરિત થઈ જાય અથવા અસરકારક રેકર્ડમાંથી ગાયબ થઈ જાય તેવી ચર્ચા થાય છે, જ્યારે સમગ્ર વ્યવહાર સાથે સંકળાયેલા લોકોને તેની ઝીણામાં ઝીણી માહિતી હોવાની વાતો પણ સાંભળવા મળે છે.
એટલે જ રમૂજમાં એવું પણ કહેવાય છે કે કેટલાક લોકોના ઘરમાં જ જાણે “સરકારી રેકર્ડ” હોય!

*તલાટી અંગેની એક રમૂજી વાત*
….. *ત્યારે કલેક્ટરની પત્નીએ કહ્યું sayb તમે તલાટી થયા હોત તો* ??

ચાલો, આ સંદર્ભે એક રમૂજી ઉદાહરણ લઈએ…
ધારો કે કોઈ કલેક્ટર પોતાના પરિવાર સાથે ગ્રામ્ય વિસ્તારના પ્રવાસે નીકળ્યા હોય અને જામનગર-ખંભાળિયા હાઇવે  જેવા કોઈ રોડ ઉપરથી  પસાર થતાં ગામડાઓ તરફથી જઈ રહ્યા હોય
તે દરમિયાન એક તલાટીએ કલેક્ટરને આગ્રહ કરીને કહ્યું—
“સાહેબ, મારા ઝૂંપડે તો આવો.”
કલેક્ટર પરિવાર સાથે તલાટીના “ઝૂંપડા” પર પહોંચ્યા. પરંતુ ત્યાં જઈને જોયું તો ઝૂંપડાને બદલે ભવ્ય મહેલ જેવું આલીશાન મકાન!
કહેવાય છે કે કોઈની મહેરબાનીથી મકાનના પ્રવેશદ્વાર પર પણ paકંઈક ભારે-ભરખમ લખાણ જોવા મળ્યું. ……. ફલાણકૃપા
કલેક્ટર અને તેમના પરિવારનું અંદર ભવ્ય સ્વાગત થયું. સૂકો મેવો અને લહેજતદાર મેસૂબ સહિતની ભવ્ય આગતા-સ્વાગતા થઈ.
આ દરમિયાન કલેક્ટરની પત્નીની નજર તલાટીના પરિવારની મહિલાઓ પર પડી. તેમના શરીર પર જાણે આઠથી દસ કિલો જેટલું સોનું પહેરેલું હોય તેવું જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા!
આગતા-સ્વાગત માણીને કલેક્ટર પરિવાર સાથે કારમાં પરત જવા નીકળ્યા ત્યારે કલેક્ટરની પત્નીએ કલેક્ટર સામે જોઈને કહ્યું—
“સાહેબ, તમે પણ જો તલાટી બની ગયા હોત તો…!!”
(આ માત્ર રમૂજી કિસ્સો છે, કોઈ વ્યક્તિ સામેનો આક્ષેપ નથી.)
“આ માત્ર લોકોમાં થતી ચર્ચાઓ અને આક્ષેપો છે”
તલાટીએ રેકર્ડમાં ચેડાં કર્યા, નાયબ મામલદાર વતી 7/12 ઉતારા પર સહી કરી, મહેસૂલી રેકર્ડ ગાયબ કરાવ્યા, બિલ્ડરો માટે કિંમતી જમીન શોધી આપી, નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવા અથવા શરતભંગના કિસ્સામાં વચેટિયા તરીકે કામ કર્યું, સરકારી ખરાબા જમીન પર દબાણ કરવા માટે સ્થળ બતાવ્યું વગેરે પ્રકારના દાવાઓને સીધી રીતે હકીકત માની શકાય નહીં.
આ બાબતો લોકોમાં થતી ચર્ચાઓ અને કરવામાં આવતા આક્ષેપો છે. તેમાં સત્ય કેટલું છે તે દસ્તાવેજી પુરાવા અને યોગ્ય તપાસ બાદ જ નક્કી થઈ શકે.

કેસની વિગતો
ખંભાળિયાના તાલુકા વિકાસ અધિકારીએ વડિણાર ગામની સરકારી જમીનના રેકર્ડમાં કથિત ગેરરીતિ તથા 7/12 રેકર્ડ સંબંધિત બનાવટી દસ્તાવેજો તૈયાર કરી તેનો ઉપયોગ કરવાના આક્ષેપમાં બે નિવૃત્ત તલાટી-કમ-મંત્રીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં આ મામલે ભારે ચર્ચા શરૂ થઈ છે.
આ ફરિયાદ ખંભાળિયાના તાલુકા વિકાસ અધિકારી નવિનચંદ્ર લખાભાઈ બેડિયાવદર દ્વારા નોંધાવવામાં આવી છે.
આરોપી નં. 1 : બી.એન. વાઘેલા
વડિણાર ગામમાં તા. 01-04-2003 થી 22-10-2003 દરમિયાન તલાટી-કમ-મંત્રી તરીકે ફરજ બજાવી હતી.
આરોપી નં. 2 : એસ.એમ. મોટાણી
વડિણાર ગામમાં તા. 23-10-2003 થી 31-05-2005 દરમિયાન તલાટી-કમ-મંત્રી તરીકે ફરજ બજાવી હતી.
ફરિયાદમાં ભારતીય દંડ સંહિતા, 1860ની કલમ 466, 468, 471, 120(B), 34 અને 409 સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધાયો છે. આ કલમો રેકર્ડમાં બનાવટ/છેડછાડ, બનાવટી દસ્તાવેજનો ઉપયોગ, ગુનાહિત કાવતરું, સામાન્ય ઇરાદો તથા વિશ્વાસભંગ જેવા ગુનાઓ સાથે સંબંધિત છે.
ફરિયાદ મુજબ બંને આરોપીઓએ તેમના સંબંધિત કાર્યકાળ દરમિયાન વડિણાર ગામના જૂના રેવન્યુ સર્વે નં. 170 અને 172 સંબંધિત મૂળ મહેસૂલી રેકર્ડ, ગામ નમૂના 7/12 તથા ફેરફાર નોંધોમાં કથિત રીતે ચેડાં કર્યા હોવાનો આક્ષેપ છે.
આક્ષેપ મુજબ જૂના રેવન્યુ સર્વે નં. 170માંથી નવા રેવન્યુ સર્વે નં. 91 અને 210 દર્શાવવામાં આવ્યા હતા, જ્યારે જૂના રેવન્યુ સર્વે નં. 172 (પાર્ટ-એ)માંથી નવો રેવન્યુ સર્વે નં. 211 દર્શાવવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલે સરકારી જાહેર મહેસૂલી રેકર્ડમાં ડમી તથા બનાવટી પાનાં તૈયાર કરવામાં આવ્યા અને તે અસલી ન હોવાની જાણ હોવા છતાં ત્યારબાદ તેનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ બંને આરોપીઓએ એકબીજાને મદદરૂપ થઈ આ કથિત ગુનામાં સહભાગી થયા હતા.
ખંભાળિયાના ઇતિહાસમાં આવો પ્રથમ કેસ?
ખંભાળિયાના ઇતિહાસમાં તલાટી-કમ-મંત્રીઓ દ્વારા મહેસૂલી રેકર્ડમાં ચેડાં, ખોટા રેકર્ડ તૈયાર કરવા તથા ત્યારબાદ તેનો ઉપયોગ કરવાના આક્ષેપ સાથે નોંધાયેલો આ પ્રથમ કેસ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ તથા DySP મીત રુદલની દેખરેખ હેઠળ વડિણાર પોલીસ ઇન્સ્પેક્ટર ટી.સી. પટેલ અને તેમની ટીમે આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.
પોલીસે આ પ્રકરણમાં કથિત રીતે તૈયાર કરવામાં આવેલા કેટલાક દસ્તાવેજો કબજે કર્યા હોવાનું જાણવા મળે છે. આ દસ્તાવેજોના આધારે તપાસકર્તાઓ એ બાબતની તપાસ કરી રહ્યા છે કે કથિત રીતે બનાવટી રેકર્ડનો ઉપયોગ કયા લોકોના નામે અને કઈ રીતે કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત બંને તલાટીઓને કથિત રેકર્ડ તૈયાર કરવા માટે કોઈ વ્યક્તિએ પ્રલોભન કે આર્થિક લાભ આપ્યો હતો કે કેમ અને ત્યારબાદ તૈયાર કરાયેલા રેકર્ડનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો તેની પણ તપાસ ચાલી રહી છે.
આ કથિત ગેરરીતિમાંથી કોઈને આર્થિક લાભ થયો હતો કે નહીં અને થયો હોય તો કેટલો થયો હતો, તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
તપાસ દરમિયાન હાલના બે આરોપીઓ ઉપરાંત અન્ય કોઈ વ્યક્તિનું નામ પુરાવા સાથે સામે આવશે તો કાયદેસરની પ્રક્રિયા મુજબ તેને પણ આરોપી તરીકે જોડવામાં આવી શકે છે.
કેસે આટલો ખળભળાટ કેમ મચાવ્યો?
વડિણાર વિસ્તારનું મહત્વ ખાસ છે. અહીં નાયરા કંપનીની હાજરી ઉપરાંત આસપાસની જમીનોના ભાવ અત્યંત ઊંચા હોવાનું માનવામાં આવે છે. કેટલીક જમીનોની કિંમત કરોડો રૂપિયા સુધીની હોવાની શક્યતા છે.
આવા સંજોગોમાં આશરે 21 વર્ષ જૂના મહેસૂલી રેકર્ડ સાથે કથિત ચેડાંનો મામલો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.
હવે સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે—
આ તપાસ આખરે ક્યાં સુધી પહોંચશે?
અને જો આ કથિત જમીન રેકર્ડ ગેરરીતિ પાછળ અન્ય કોઈ સંડોવાયેલું હશે તો તપાસમાં વધુ કેટલાં નામ બહાર આવશે?
આ સવાલોના જવાબ હવે દસ્તાવેજી પુરાવા, રેકર્ડની ફોરેન્સિક તપાસ, પોલીસ તપાસ અને ત્યારબાદની કાયદેસરની કાર્યવાહી પરથી જ બહાર આવશે.

પૂરક વિગતો : હિતેન્દ્ર આચાર્ય – સિનિયર જર્નાલિસ્ટ – જામખંભાળિયા
અહેવાલ : ભારત જી. ભોગાયતા – જર્નાલિસ્ટ – જામનગર – 8758659878

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો