તારીખ ૨૯/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
વેજલપુર-ખરસાલિયા હાઇવે ચોકડી નજીક આજે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક આધેડનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પત્નીને ઈજાઓ પહોંચી હતી.
બનાવની વિગત મુજબ, ફરિયાદી એહમદ ફિરોજભાઈ લુહાર, ઉ.વ. 34, રહે. મહંમદી સ્ટ્રીટ, હાલોલના કાકા અનવરભાઈ નૂર મહંમદ લુહાર, ઉ.વ. 50 અને કાકી ઝાહેદા બંને આજે સવારે હાલોલથી તેમની મોટરસાયકલ નં.GJ-17-CL-3129 પર ગોધરા ખાતે એક સબંધીની મરણવિધિમાં જવા નીકળ્યા હતા.સવારે આશરે પોણા નવ વાગ્યાના સુમારે વેજલપુર ખરસાલિયા હાઇવે ચોકડીથી થોડે દૂર હાઇવે રોડ પર પૂરઝડપે આવી રહેલ અશોક લેલેન્ડ કન્ટેનર ટ્રક નં. UP-78-HT-8004 ના ચાલકે પોતાના કબજાની ટ્રક ગફલતભરી રીતે હંકારી બાઇકને જોરદાર ટક્કર મારી હતી.ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક સવાર બંને રોડ પર પટકાયા હતા. અનવરભાઈને શરીરે ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા ઝાહેદાબેનને ઓછીવત્તી ઈજાઓ થઈ હતી. સ્થાનિકોએ 108 ને જાણ કરતા ઈજાગ્રસ્ત મહિલાને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત બાદ કન્ટેનર ટ્રકનો ચાલક ટ્રક સ્થળ પર જ મૂકીને નાસી ગયો હતો.આ અંગે મૃતકના ભત્રીજા એહમદ લુહારે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









