MORBI મોરબી કાળીચૌદશે અંધશ્રદ્ધા અને કુરિવાજો સામે ‘વિજ્ઞાન જાથા’ની જાગૃતિ ઝુંબેશ: રાજ્યભરમાં પત્રિકા વિતરણનો પ્રારંભ

મોરબી કલેક્ટર, એસ.પી., ધારાસભ્ય તેમજ રાજકોટ મેયર સહિતના પદાધિકારીઓ જોડાયા
૭મી નવેમ્બરે તરઘડી સ્મશાનમાં ભૂત-પ્રેતનું સરઘસ અને વડા આરોગવાનો અનોખો કાર્યક્રમ યોજાશે
અમદાવાદ:
કાળીચૌદશના પર્વે વર્ષોથી ચાલી આવતી અંધશ્રદ્ધા, વહેમ અને કુરિવાજોને તિલાંજલિ આપવા માટે ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા રાજ્યવ્યાપી જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ૭મી નવેમ્બરે કાળીચૌદશ નિમિત્તે લોકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય તે હેતુથી સમગ્ર રાજ્યના જિલ્લા અને તાલુકા મથકોએ જાગૃતિ પત્રિકા વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઝુંબેશમાં વિવિધ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ સહભાગી થઈને લોકોને અંધશ્રદ્ધા ફગાવવા અપીલ કરી છે.

અનાજ-પાણીનો બગાડ અટકાવવો એ નાગરિક ધર્મ: ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા
ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ પત્રિકા વિતરણમાં જોડાઈને જણાવ્યું હતું કે, ૨૧મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની છે. કાળીચૌદશે થતો અનાજનો બગાડ અટકવો જોઈએ અને સદીઓ જૂની ગેરમાન્યતાઓ દૂર થવી જોઈએ. તેમણે પોતે ૭મી નવેમ્બરે તરઘડી સ્મશાનમાં યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની જાહેરાત કરી હતી.
મોરબી અને રાજકોટના પદાધિકારીઓ જોડાયા
મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે અને એસ.પી. મુકેશ પટેલે પત્રિકા વિતરણમાં ભાગ લઈ જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક અભિગમ જ માનવજાતને સુખી કરશે; નાગરિકોએ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો ભેદ પારખવો જરૂરી છે. આ ઉપરાંત રાજકોટના મેયર નેહલ શુક્લ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયા અને દંડક સંજયસિંહ રાણાએ પણ અભિયાનને સમર્થન આપી જણાવ્યું હતું કે ચાર રસ્તે વડા મૂકવા જેવા રિવાજો માનવીય પ્રગતિમાં અવરોધરૂપ છે.
સ્મશાનના ખાટલે વડા આરોગાશે: જયંત પંડ્યા
જાથાના રાજ્ય ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યું કે, જાથા છેલ્લા ૩૩ વર્ષથી કોઈપણ વિવાદ વગર લોકશાહી ઢબે અંધશ્રદ્ધા સામે લોકચળવળ ચલાવી રહ્યું છે. આ વર્ષે પણ રાજ્યના ૧૧૧૩થી વધુ નગરો અને ગામોમાં સ્મશાનની મુલાકાત, અગ્નિદાહ પર ચા બનાવી પીવી, ચાર રસ્તે મૂકેલા વડા સ્મશાનના ખાટલે બેસી આરોગવા અને ભૂત-પ્રેતના સરઘસ જેવા કાર્યક્રમો યોજીને લોકોના મનમાંથી વહેમ અને ડર દૂર કરવામાં આવશે.
રાજ્યભરમાં આગામી ૧૦ દિવસ સુધી આ પત્રિકા વિતરણ ઝુંબેશ ચાલશે. પોતાના ગામમાં સ્મશાન ઉજવણી કરનારા કાર્યકરોને ૮મી તારીખે સવારે ૧૦ વાગ્યા સુધીમાં તસવીરો મોકલી આપવા સંસ્થા દ્વારા જણાવાયું છે.













