MORBI:મોરબી સાપર નજીક સિરામિકની લેબર કોલોનીના ત્રીજા માળેથી પટકાતાં શ્રમિકનું કરુણ મો*ત

મોરબીના જેતપર રોડ પર આવેલા સાપર ગામની સીમમાં શ્રમિક સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો. પોલેન્સ ગ્રેનાઇટો સિરામિક ફેક્ટરીની લેબર કોલોનીના ત્રીજા માળેથી નીચે પટકાતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા શ્રમિકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સાપર-જેતપર રોડ પર આવેલી પોલેન્સ ગ્રેનાઇટો સિરામિકની લેબર કોલોની નંબર-૨ માં રહેતા રાકેશ રામપ્રસાદ માલવીયા (ઉં.વ. ૩૮) કામ કરી રહ્યા હતા, તે દરમિયાન કોઈ કારણોસર અચાનક ત્રીજા માળેથી નીચે પટકાયા હતા.
ઊંચાઈ પરથી પટકાતાં રાકેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ તાત્કાલિક તેમને સારવાર અર્થે નજીકની શિવમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તેમણે દમ તોડ્યો હતો.
બનાવની જાણ થતાં જ મોરબી તાલુકા પોલીસે ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.













