વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવતી વખતે પેરોલ મેળવી છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા પાકા કામના કેદીને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે. નાસતા-ફરતા અને પેરોલ જમ્પ થયેલા કેદીઓને પકડવા માટે શરૂ કરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે આ સફળ કામગીરી કરી છે.
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ સાહિલભાઈ સમા અને જયદીપભાઈ કનેરીયાને સંયુક્તમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે જૂનાગઢ ખામધ્રોળ ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન પેરોલ જમ્પ કરી ફરાર થયેલ કેદી યુનુસ અઝીઝભાઈ પરમાર (રહે. રેહાન મંઝિલ, ભારત મિલના ઢોરે, જૂનાગઢ) ત્યાં હાજર મળી આવતા તેને કોર્ડન કરીને ઝડપી પાડવામાં આવ્યો હતો. કાયદેસરની પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ કરી કેદીને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરાઈ છે.










