TANKARA:ટંકારા નજીક હાઈવે પર ટેન્કરે ઈ-સ્કૂટરને અડફેટે લેતાં વિરપરના આધેડનું કરુણ મો*ત

ટંકારા:રાજકોટ-મોરબી નેશનલ હાઈવે પર ટંકારા નજીક દાદાવાડી હોટલ પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે અને બેફિકરાઈથી દોડી આવેલા ટેન્કરે આગળ જઈ રહેલા ઈ-સ્કૂટરને પાછળથી જોરદાર ટક્કર મારતાં ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, ટંકારા તાલુકાના વિરપર ગામે રહેતા નવનીતભાઈ વિરજીભાઈ વાઘડિયા પોતાના ઈ-સ્કૂટર પર સવાર થઈને રામાપીરના મંદિરે ધૂનમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. આ દરમિયાન દાદાવાડી હોટલ નજીક પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટાટા ટેન્કર (નંબર: જીજે-૩૬-વી-૮૨૮૦)ના ચાલકે તેમના વાહનને અડફેટે લીધું હતું.
ટક્કર એટલી જોરદાર હતી કે નવનીતભાઈ રસ્તા પર પટકાયા હતા અને ટેન્કરના પાછળના ટાયર નીચે આવી ગયા હતા. શરીરના ભાગે તેમજ કપાળ અને વાંસામાં ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે ટંકારાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આધેડના અકાળે અવસાનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સમગ્ર બનાવ અંગે મૃતકના મોટાભાઈ ચુનીલાલ વિરજીભાઈ વાઘડિયાએ ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) તેમજ મોટર વ્હીકલ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની તપાસ શરૂ કરી છે.













