MORBI:મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ગઈ કાલે રાત્રે કાર વીજપોલ સાથે અથડાઈ

મોરબી:શહેરના ભક્તિનગર સર્કલ નજીક આવેલા ક્રોમા સેન્ટર સામે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ફોર વ્હીલ કાર અચાનક વીજપોલ સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે વીજપોલ નમી ગયો હતો, જેના કારણે મુખ્ય માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી જતાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ પેદા થઈ હતી.

ઘટનાની જાણ થતાં જ જીલ્લા ટ્રાફિક પોલીસના ડી.બી. ઠક્કર સહિતનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. કોઈપણ પ્રકારની મોટી હોનારત કે શોર્ટ સર્કિટ ન થાય તે માટે પોલીસે તાત્કાલિક PGVCLને જાણ કરી તે વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો. આ સાથે જ મોરબી મહાનગરપાલિકાની ટીમને પણ આ અંગે વાકેફ કરવામાં આવી હતી.

પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ટ્રાફિકનું સુચારુ સંચાલન કર્યું હતું અને થોડા જ સમયમાં માર્ગ પર વાહનવ્યવહાર ફરી પૂર્વવત કરાવ્યો હતો, જેથી રાહદારીઓ અને વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.













