MORBI:કચ્છથી અમદાવાદ કતલખાને લઈ જવાતા ૧૦ પાડાને મોરબી ગૌરક્ષકોએ બચાવ્યા

અણીયારી ટોલનાકા પાસે વોચ ગોઠવી બોલેરો પીકઅપ ઝડપી બે શખ્સો સામે ગુનો નોંધાયો
મોરબી:કચ્છ તરફથી માળીયા અને હળવદના માર્ગે થઈ અમદાવાદ કતલખાને લઈ જવાતા ૧૦ પાડાઓને ગૌરક્ષકોની સતર્કતાથી બચાવી લેવાયા છે. ગૌરક્ષક સંગઠનોએ અણીયારી ટોલનાકા પાસે વોચ ગોઠવી બોલેરો વાહનનો પીછો કરી દેવળીયા નજીક તેને ઝડપી લીધું હતું. પોલીસે વાહન કબજે કરી પશુઓને મુક્ત કરાવી બે શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ મોરબી, શિવસેના સહિતના ગૌરક્ષક સંગઠનોને ચોક્કસ બાતમી મળી હતી કે કચ્છ તરફથી બોલેરો પીકઅપ (નંબર: જીજે-૧૨-ઈટી-૩૨૭૮) માં પાડાઓને ગેરકાયદે રીતે કતલખાને અમદાવાદ લઈ જવામાં આવી રહ્યા છે. આ બાતમીના આધારે ગૌરક્ષકોએ અણીયારી ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબનું વાહન પસાર થતાં જ તેનો પીછો કરવામાં આવ્યો હતો અને હળવદના દેવળીયા નજીક તેને આંતરીને રોકવામાં આવ્યું હતું.
વાહનની તપાસ કરતા અંદર નાના-મોટા કુલ ૧૦ પાડાઓને અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધેલા મળી આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછ દરમિયાન પશુઓના પરિવહન અંગેની કોઈ પણ માન્ય પરવાનગી ન હોવાનું સામે આવ્યું હતું. આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરાતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી બોલેરો વાહન જપ્ત કર્યું હતું તેમજ વાહનચાલક સહિત બે શખ્સોની અટકાયત કરી પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

આ સફળ કામગીરીમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ મોરબી, મોરબી શિવસેના, હળવદ ગૌરક્ષક ટીમ, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ, હિન્દુ યુવા વાહિની, ચોટીલા અને લીંબડીના ગૌરક્ષકો તેમજ રાષ્ટ્રીય સનાતન સેના મોરબીના કાર્યકરો સંયુક્ત રીતે જોડાયા હતા.














