વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

સરકારી ટેન્ડર હેઠળ બનાવવામાં આવેલી કંપાઉન્ડ દિવાલના બિલના નાણાં મંજૂર કરવાની કાર્યવાહી બદલ રૂ.40 હજારની લાંચ સ્વીકારતા ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડના નાયબ કાર્યપાલક ઇજનેર સહિત બે અધિકારીઓને સુરત શહેર એ.સી.બી.એ સફળ ટ્રેપ ગોઠવી ઝડપી પાડ્યા છે.
એ.સી.બી.ના જણાવ્યા મુજબ, ફરિયાદી જાગૃત નાગરિકે સરકારી ટેન્ડર આધારે કંપાઉન્ડ દિવાલનું કામ કર્યું હતું. દિવાલના બિલના નાણાં મંજૂર કરવાની કાર્યવાહી કરવા બદલ આરોપીઓ દ્વારા શરૂઆતમાં રૂ.50 હજારની લાંચની માંગણી કરવામાં આવી હતી. રકઝક બાદ લાંચની રકમ રૂ.40 હજાર નક્કી થઈ હતી.
ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એ.સી.બી.એ છટકાનું આયોજન કર્યું હતું. તા.10 સપ્ટેમ્બર, 2026ના રોજ સુરત ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડના કાર્યપાલક ઇજનેરની કચેરીવાળી શેરીમાં નર્મદનગર સોસાયટીના મકાન નં.33ની સામે ટ્રેપ ગોઠવવામાં આવી હતી.
આ દરમિયાન આરોપી નં.2 નયન રાજાભાઈ બલદાણિયા, મદદનીશ ઇજનેર (કરાર આધારિત), પેટા વિભાગીય કચેરી, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ, નવસારી દ્વારા ફરિયાદી પાસેથી રૂ.40 હજારની લાંચની માંગણી કરી સ્વીકારવામાં આવી હતી. લાંચની રકમ સાથે આરોપી નં.2ને સ્થળ પર જ ઝડપી પાડવામાં આવ્યો હતો.
ત્યારબાદ તપાસ દરમિયાન આરોપી નં.1 બ્રિજેશભાઈ રમેશભાઈ ગોંડલીયા, નાયબ કાર્યપાલક ઇજનેર, વર્ગ-2, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ, નવસારી પણ ઝડપાઈ ગયા હતા. એ.સી.બી. દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ટ્રેપ દરમિયાન રૂ.40,000ની લાંચની સંપૂર્ણ રકમ રિકવર કરવામાં આવી હોવાનું એ.સી.બી.એ જણાવ્યું છે.
આ સફળ ટ્રેપ સુરત શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.જે. ધડુક તથા તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.






