બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં સર્જાયેલા લો-પ્રેશર (ઓછા દબાણવાળા ક્ષેત્ર)ના કારણે દેશભરમાં ચોમાસું ફરી પૂરજોશમાં સક્રિય બન્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 11 સપ્ટેમ્બરથી દેશના 25 જેટલા રાજ્યોમાં વરસાદની સંભાવના છે. તટીય આંધ્રપ્રદેશ અને યનમમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જે ઝાટકા સાથે 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, તેમજ ગાજવીજ સાથે વીજળી પડવાની શક્યતા છે.
ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે અને બંગાળની ખાડીમાં બનેલી નવી સિસ્ટમની સીધી અસર રાજ્યના વાતાવરણ પર જોવા મળશે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, 11 સપ્ટેમ્બરે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં અને કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ વરસવાની સંભાવના છે.
ઓડિશા અને છત્તીસગઢમાં લો-પ્રેશરની અસર સૌથી વધુ જોવા મળશે. આ બંને રાજ્યોમાં 11 સપ્ટેમ્બરે કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ પડવાની ચેતવણી જાહેર કરાઈ છે. ખાસ કરીને નદી-નાળા છલકાઈ જવાની અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે.
ગંગાના મેદાની વિસ્તારો ધરાવતા પશ્ચિમ બંગાળ અને પડોશી ઝારખંડમાં 11 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં સતત વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થઈ શકે છે.
મધ્યપ્રદેશમાં ચોમાસું જોર પકડશે. પૂર્વી મધ્યપ્રદેશ અને વિદર્ભ ક્ષેત્રમાં 11 થી 14 સપ્ટેમ્બર દરમિયાન ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વ્યાપક વરસાદ નોંધાઈ શકે છે. આ ઉપરાંત પશ્ચિમી મધ્યપ્રદેશમાં પણ 11 સપ્ટેમ્બરે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા દર્શાવાઈ છે, જ્યારે 12 થી 14 સપ્ટેમ્બર વચ્ચે વરસાદનું જોર વધશે.
દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યનમમાં 11 સપ્ટેમ્બરે ભારે વરસાદ સાથે 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જે ઝાટકા સાથે 70 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. તેલંગાણામાં પણ 11 સપ્ટેમ્બરે વ્યાપક વિસ્તારોમાં વરસાદ સાથે કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
દક્ષિણ ભારતના કેરળ અને માહેમાં 11 અને 12 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.











