
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા શહેરમાં રખડતા ઢોરોના કારણે નાગરિકો, રાહદારીઓ અને વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ તેમજ અકસ્માતના જોખમને ગંભીરતાથી ધ્યાનમાં લઈને આહવા ગ્રામ પંચાયત દ્વારા એક સરાહનીય ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.આહવા ગ્રામ પંચાયતનાં સરપંચ હરીરામ સાંવતના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગ્રામ પંચાયતની ટીમે તાત્કાલિક નિર્ણય લઈને શહેરના વિવિધ વિસ્તારોમાંથી ૨૫૦થી વધુ રખડતા ઢોરોને પકડી રંગ ઉપવન ગ્રાઉન્ડ ખાતે એકત્રિત કર્યા છે.આ કામગીરી દરમિયાન ગ્રામ પંચાયતે માત્ર ઢોરોને પકડવા પૂરતી સીમિત ન રહેતા, તેમના માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારા અને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા પણ કરી છે. પંચાયતનો આ માનવતાવાદી અને સંવેદનશીલ અભિગમ દર્શાવે છે કે જનસુરક્ષાની સાથે પશુઓની સંભાળનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે.લાંબા સમયથી ચાલતી રખડતા પશુઓની સમસ્યાથી આહવાના રહીશો પરેશાન હતા. ત્યારે સરપંચશ્રી હરીરામ સાવંતે જનહિતને પ્રાથમિકતા આપી સમયસર નિર્ણય લીધો છે, જેનાથી શહેરમાં સ્વચ્છતા, સલામતી અને સુવ્યવસ્થા જળવાઈ રહેશે. સ્થાનિક નાગરિકો તરફથી સ્થળ પર જઈને કરાયેલી આ નક્કર કાર્યવાહી અને આહવા ગ્રામ પંચાયતની ટીમની પ્રશંસનીય કામગીરીને ભારે સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે..









