તારીખ ૧૨/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ કુમાર શાળા ખાતે શ્રાવણ માસના અંતિમ દિવસ નિમિત્તે બાળકો માટે તિથિ ભોજન અને ભેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળા પરિવાર તરફથી બાળકોને પાઉભાજીનું તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું, જ્યારે વિવિધ નામી-અનામી દાતાશ્રીઓ દ્વારા દરેક બાળકને ટી-શર્ટ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ટીપીઓ હિતેશભાઈ ભાટિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકોને પ્રાસંગિક ઉદ્બોધન કરી દાનનો મહિમા સમજાવ્યો હતો અને શિક્ષણ પ્રત્યે જાગૃત રહેવા માટે પ્રેરણા આપી હતી. આ સાથે કાલોલ નગરપાલિકા પાણી પુરવઠા કમિટીના ચેરમેન કમલેશ પંચાલ દ્વારા પણ બાળકોને પ્રેરક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. જ્યાં આ પ્રસંગે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના SC મોરચાના કોષાધ્યક્ષ ડૉ. સુનિલકુમાર નટુભાઈ પરમાર, ડૉ. આંબેડકર સ્મરણાંજલિ સમિતિના સુનીલભાઈ મકવાણા, કાલોલ કુમાર શાળાના આચાર્ય રાકેશકુમાર ઠાકર સહિત શાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.









