MORBI:મોરબીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વિવાદમાં: વહાલા-દવલાની નીતિ, ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપો સાથે પૂર્વ કોર કમિટી મેમ્બરે મોરચો માંડ્યો

મોરબી:ગુજરાત રાજ્ય યોગ બોર્ડના મોરબી જિલ્લા સંગઠનમાં પક્ષાપક્ષી, ગેરરીતિ અને ચમચાગીરી ચરમસીમાએ પહોંચી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. યોગ બોર્ડના પૂર્વ જિલ્લા કોર કમિટી મેમ્બર અને યોગ પ્રચારક મયુર કારીયાએ બોર્ડના ઉચ્ચ સંચાલકો અને સ્થાનિક હોદ્દેદારો સામે સનસનાટીભર્યા આક્ષેપો કરી પારદર્શક નિમણૂકની ખુલ્લી માગ કરી છે.
પૂર્વ હોદ્દેદારે લગાવેલા મુખ્ય આક્ષેપો:વહાલા-દવલાની નીતિ અને ટ્રેનર્સનો ઉપયોગ: નિષ્ઠાવાન ટ્રેનર્સને ડિપ્લોમા કે YCBના નામે લાલચ આપી પૂરતો ઉપયોગ કરી લીધા બાદ પડતા મૂકવામાં આવે છે અને માત્ર ઉપરી અધિકારીઓની ‘હા માં હા’ મિલાવનારા માનીતાઓને જ પ્રાથમિકતા અપાય છે.
ડિગ્રીઓ અને ભરતીમાં સેટિંગ: આગામી ભરતીના નિયમો-લાયકાતની માહિતી વગદાર લોકોને અગાઉથી આપી દેવાય છે. અન્ય રાજ્યોની યુનિવર્સિટીઓમાંથી ઘરે બેઠા મેળવેલી ડિગ્રીઓના આધારે હોદ્દા વહેંચવામાં આવતા હોવાનો બોર્ડના ઉચ્ચ સંચાલકો સામે સીધો આક્ષેપ કરાયો છે.
યોગ બોર્ડને અંગત વેપારનું માધ્યમ બનાવ્યું: જૂના કો-ઓર્ડિનેટર અને ઝોનલ હોદ્દેદારો ભાગીદારી પેઢીની જેમ વર્તી પોતાના પ્રાઇવેટ ક્લાસ અને અંગત પ્રવૃત્તિઓ માટે યોગ બોર્ડના પ્લેટફોર્મનો દુરુપયોગ કરી રહ્યા છે.
ગંભીર ફરિયાદો છતાં સંરક્ષણ: મહિલા ટ્રેનર્સ સામે અભદ્ર ટિપ્પણીઓ, અફવાઓ ફેલાવવા અને નાના બાળકોના સમર કેમ્પમાં પણ ભ્રષ્ટાચાર આચરવા છતાં ઉપરી વગને કારણે દોષિતો સામે કોઈ દંડાત્મક પગલાં લેવાતા નથી.
નિષ્પક્ષ ભરતી કરવા ઉચ્ચ સ્તરે ચેતવણી – યોગ બોર્ડના ચેરમેન શીશપાલજી રાજપૂત અને રાજ્ય કો-ઓર્ડિનેટર અનિલ ત્રિવેદીના વહીવટ સામે સવાલ ઉઠાવતા જણાવાયું છે કે, મોરબી જિલ્લામાં હવે અયોગ્ય વ્યક્તિઓની નિમણૂક સહન કરવામાં નહીં આવે. સ્થાનિક ટ્રેનર્સે પોલ અને આંતરિક વિરોધ દ્વારા પોતાનો અસંતોષ સ્પષ્ટ કરી દીધો છે. કોઈપણ નવી નિમણૂક જાહેર જાહેરાત આપીને, મેરિટ અને સંપૂર્ણ પારદર્શિતાથી કરવામાં આવે તેવી ઉગ્ર માગ ઉઠી છે.









