તા.12/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ અકસ્માતોની શ્રેણી વણથંભી રહી હોય તેમ વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર નજીક આવેલા મેમકા ગામ પાસે કાર અને પેસેન્જર ભરેલી રિક્ષા વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં 50 વર્ષીય મહિલાનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે 6 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, આજે વઢવાણ તાલુકાના મેમકા નજીકના હાઈવે પરથી પેસેન્જર ભરેલી રિક્ષા પસાર થઈ રહી હતી. આ દરમિયાન સામેથી પૂરઝડપે આવી રહેલી એક કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રિક્ષા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાના ફુરચેફુરચા ઊડી ગયા હતા અને તે રોડ પર પલટી મારી ગઈ હતી. રિક્ષામાં સવાર મુસાફરો રોડ પર ફંગોળાતાં ચીસાચીસ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 50 વર્ષીય ગીતાબેન મકવાણાનું ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતનો ભયાનક અવાજ સાંભળી આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ તથા પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ વઢવાણ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. તમામ 6 ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સારવાર અર્થે સુરેન્દ્રનગરની સી.યુ. શાહ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર, ઘાયલો પૈકી ત્રણ લોકોની સ્થિતિ અત્યંત નાજુક છે. બીજી તરફ, પોલીસ દ્વારા મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ છે. પ્રાથમિક તપાસમાં અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. વઢવાણ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. જિલ્લામાં દિન-પ્રતિદિન વધતા જતાં માર્ગ અકસ્માતોને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ હાઈવે પર સ્પીડ બ્રેકર મૂકવા તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા નિયમિત પેટ્રોલિંગ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠાવી છે.










