ભારતના ₹૭૬.૫ લાખ કરોડના ૧૦ ધનવાન સામ્રાજ્યો

વેલ્થ, ડેટ અને કેશ-ફ્લો દ્વારા ભારતના ૧૦ શક્તિશાળી બિઝનેસ હાઉસીસમાં રોકાણકારો માટે શું છે ખાસ..!?

ભારતના આર્થિક વિકાસના આધારસ્તંભ સમાન ટોચના ૧૦ વ્યાપારી પરિવારોની કુલ સંપત્તિ ₹૭૬.૫ લાખ કરોડના આંકડાને સ્પર્શી ગઈ છે. આ જંગી મૂડી માત્ર પરિવારની સમૃદ્ધિ દર્શાવતી નથી, પરંતુ ભારતની વિરાટ આર્થિક પ્રગતિ અને મુડીબજારના સામર્થ્યનું પણ પ્રતિબિંબ પાડે છે.
‘ઇન્વેસ્ટમેન્ટના પોઇન્ટ’ ના તમામ વાચકો અને રોકાણકારો માટે આ વ્યાપારી સામ્રાજ્યોના વિવિધ સેક્ટર્સમાં યોગદાન, કૌટુંબિક અને વ્યક્તિગત માળખું, તેમની કુલ અસ્કયામતો, દેવું તથા ઓપરેટિંગ કેશ-ફ્લોનું ઊંડું અને રસપ્રદ નાણાકીય વિશ્લેષણ નીચે મુજબના વિસ્તૃત આર્ટિકલમાં રોકાણકારોની જાણકારી સંદર્ભે આપવામાં આવેલ છે.

૧. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાયાના માળખાનું સેક્ટર
⭐ અદાણી ગ્રુપ

ભારતના આર્થિક વિકાસમાં સૌથી મોટું સેક્ટોરલ પ્રભુત્વ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન એનર્જી ક્ષેત્રનું રહ્યું છે, જ્યાં ગૌતમ અદાણી અને પરિવાર ₹૯.૧ લાખ કરોડની સંપત્તિ સાથે પ્રથમ સ્થાને છે. અદાણી ગ્રુપ મૂળભૂત રીતે ફર્સ્ટ-જનરેશન સાહસિકનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પોર્ટ્સ તેમની મુખ્ય ફ્લેગશિપ કંપનીઓ છે. આ સેક્ટર અત્યંત કેપિટલ-ઇન્ટેન્સિવ (વધુ મૂડી માંગતું) હોવાથી ગ્રુપનો ડેબ્ટ ટુ ઈક્વિટી (D/E) રેશિયો આશરે ૧.૨ થી ૧.૫ ની આસપાસ રહે છે. જોકે, પોર્ટ્સ, એરપોર્ટ્સ, પાવર ટ્રાન્સમિશન અને ગ્રીન એનર્જી એસેટ્સ જેવા મોનોપોલી ધરાવતા બિઝનેસ હોવાથી કંપનીનો ઓપરેટિંગ કેશ-ફ્લો અત્યંત મજબૂત અને પોઝિટિવ છે. ભૂતકાળમાં ઊંચા દેવાની ચિંતાઓ વચ્ચે પણ આ અદાણી ગ્રુપે તેમના રોકડ પ્રવાહના આધારે દેવાની ચુકવણી નિયમિત રાખીને રોકાણકારોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કર્યો છે.

૨. એનર્જી, કન્ઝ્યુમર અને ડિજિટલ ઇકોસિસ્ટમ સેક્ટર

⭐ રિલાયન્સ – અંબાણી પરિવાર

ભારતીય શેરબજારની સૌથી મોટી ક્ષમતા ધરાવતું સેક્ટર એનર્જી, રિટેલ અને ટેલિકોમ છે, જેમાં મુકેશ અંબાણી અને પરિવાર ₹ ૮.૯ લાખ કરોડની સંપત્તિ ધરાવે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમિટેડ એ દાયકાઓ જૂનો અને મજબૂત વંશપરંપરાગત ફેમિલી બિઝનેસ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝએ તેના ટ્રેડિશનલ ઓઇલ-ટુ-કેમિકલ્સ બિઝનેસમાંથી મળતા જંગી રોકડ પ્રવાહનો ઉપયોગ કરીને Jio ટેલિકોમ અને Reliance Retail જેવા નવા યુગના ગ્રાહક લક્ષી સેક્ટર્સમાં અસાધારણ સફળતા મેળવી છે. મોટા કેપેક્સ એટલે કે કેપિટલ એક્સપેન્ડિચર છતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો D/E રેશિયો માત્ર ૦.૪ થી ૦.૫ ની સુરક્ષિત સીમામાં રહે છે. રિલાયન્સનો ઓપરેટિંગ કેશ-ફ્લો દેશની તમામ કોર્પોરેટ કંપનીઓમાં સૌથી વધુ છે, જે તેને કોઈપણ આર્થિક આંચકા સામે રક્ષણ આપે છે અને રોકાણકારો માટે સ્થિર વળતરની ખાતરી આપે છે.

૩. ટેલિકોમ્યુનિકેશન સેક્ટર

⭐ ભારતી ગ્રુપ – સુનિલ મિત્તલ પરિવાર

ડિજિટલ ઇન્ડિયાના ગ્રોથમાં સુનિલ મિત્તલ અને ભારતી પરિવાર ₹ ૫.૦ લાખ કરોડની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને આવે છે. ભારતી એરટેલ એ પ્રથમ પેઢીના સાહસિક દ્વારા સ્થાપિત કંપની છે જે આજે વૈશ્વિક સ્તરે ટેલિકોમ સેક્ટરની જાયન્ટ બની ગઈ છે. ટેલિકોમ ક્ષેત્રે સ્પેક્ટ્રમની હરાજી અને 5G નેટવર્કના રોકાણને કારણે કંપની ઉપર દેવાનું પ્રમાણ વધુ રહ્યું છે, જેથી તેનો D/E રેશિયો ૧.૩ થી ૧.૫ ની વચ્ચે જોવા મળે છે. પરંતુ, ટેરિફ દર વધારો અને વપરાશકર્તા દીઠ સરેરાશ આવક માં થયેલા વધારાને કારણે કંપનીનો ઓપરેટિંગ કેશ-ફ્લો ઝડપથી સુધરી રહ્યો છે. દેવાની સ્થિતિ અંકુશ હેઠળ લાવવા માટે કંપની સતત કેશ-ફ્લોનો ઉપયોગ કરી રહી છે, જેથી લાંબા ગાળાના રોકાણકારો માટે આ સેક્ટર આકર્ષક બની રહ્યું છે.

૪. ફાર્માસ્યુટિકલ્સ અને હેલ્થકેર સેક્ટર

⭐ સન ફાર્મા – સંઘવી પરિવાર

આરોગ્ય અને ફાર્મા ક્ષેત્રમાં દિલીપ સંઘવી અને પરિવાર ₹૨.૩ લાખ કરોડની સંપત્તિ ધરાવે છે. સન ફાર્મા એક ફર્સ્ટ-જનરેશન ઈન્ડિવિજ્યુઅલ આધારિત કંપની છે, જે આજે ભારતની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની છે. ફાર્મા સેક્ટરની ખાસિયત એ છે કે તે ડિફેન્સિવ સેક્ટર ગણાય છે. સન ફાર્માનો D/E રેશિયો ૦.૦૫ થી ૦.૧ ની આસપાસ છે, એટલે કે આ કંપની વ્યવહારીક રીતે ‘Net-Debt Free’ (અંકુશિત અથવા શૂન્ય દેવું ધરાવતી) છે. કંપનીનો ઓપરેટિંગ કેશ-ફ્લો અત્યંત મજબૂત છે અને તેની પાસે વિશાળ ફ્રી કેશ રિઝર્વ રહેલું છે. મજબૂત ગવર્નન્સ અને ઓછા જોખમવાળા પોર્ટફોલિયો માટે આ સેક્ટર રોકાણકારોની પ્રથમ પસંદગી રહે છે.

૫. રિયલ એસ્ટેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્વેસ્ટમેન્ટ

⭐ શાપૂરજી પલોનજી મિસ્ત્રી પરિવાર

શાપૂરજી પલોનજી મિસ્ત્રી અને પરિવાર ₹૨.૩ લાખ કરોડની સંપત્તિ સાથે ભારતના સૌથી જૂના અને પ્રતિષ્ઠિત કૌટુંબિક વ્યાપારી જૂથોમાંથી એક છે. શાપૂરજી પલોનજી ગ્રુપ મુખ્યત્વે બાંધકામ, રિયલ એસ્ટેટ, એન્જિનિયરિંગ અને ટાટા સન્સમાં તેમની મહત્વપૂર્ણ હિસ્સેદારી ધરાવે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ સેક્ટરની સાઇકલ સાઇકલીકલ નેચરને કારણે કંપનીનો ડેટ રેશિયો ૧.૫ થી ૨.૦ થી વધુ રહ્યો છે, પરંતુ તેમના એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ અને રિયલ એસ્ટેટ પોર્ટફોલિયોમાંથી મળતો કેશ-ફ્લો સ્થિર રહે છે. તાજેતરના વર્ષોમાં ગ્રુપે નોન-કોર એસેટ્સ વેચીને પોતાના દેવાને પુનઃગઠિત (Restructure) કરવા પર ભાર મુક્યો છે.

૬. ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટર

⭐ એચ સી એલ ટેકનોલોજી ગ્રુપ – શિવ નાડર પરિવાર

આઇટી સેક્ટરમાં શિવ નાડર અને પરિવાર ₹૨.૨ લાખ કરોડની નેટવર્થ સાથે ભારતના સૌથી મોટા ટેકનોલોજી સાહસિકોમાં સામેલ છે. એચ સી એલ ટેકનોલોજી એ ૭૦ના દાયકામાં શરૂ થયેલી પ્રથમ પેઢીની આઇટી જાયન્ટ કંપની છે. આઇટી ક્ષેત્રનું મોડેલ ‘એસેટ-લાઇટ’ (નહિવત ભૌતિક અસ્કયામતો) હોય છે. એચ સી એલ નો D/E રેશિયો ૦.૦૫ જેટલો નહિવત છે, જે તેને સંપૂર્ણ રીતે ડેટ-ફ્રી અને કેશ-રિચ બનાવે છે. કંપની સતત વિશાળ ઓપરેટિંગ કેશ-ફ્લો જનરેટ કરે છે, જેમાંથી મોટો હિસ્સો શેરધારકોને ડિવિડન્ડ અને બાયબેક સ્વરૂપે પાછો આપવામાં આવે છે. સેક્ટર ગ્લોબલ ડિજિટલાઇઝેશન સાથે સીધું જોડાયેલું હોવાથી રોકાણકારો માટે તે અત્યંત સુરક્ષિત અસ્કયામત ગણાય છે.

૭. સ્ટીલ અને પાવર સેક્ટર

⭐ જીન્દાલ ગ્રુપ– સજ્જન જિંદાલ પરિવાર

કોમોડિટી અને હેવી ઇન્ડસ્ટ્રીઝમાં સજ્જન જિંદાલ અને પરિવાર ₹૨.૧ લાખ કરોડની સંપત્તિ ધરાવે છે. જેએસડબલ્યુ સ્ટીલ અને જે એસ ડબલ્યુ એનર્જી એ પરિવાર દ્વારા આગળ ધપાવવામાં આવતો મોટો કૌટુંબિક બિઝનેસ છે. સ્ટીલ ઉત્પાદનમાં અસ્કયામતો (પ્લાન્ટ અને મશીનરી) ઊભી કરવા ભારે મૂડીની જરૂર પડે છે, જેથી જિંદાલ ગ્રુપનો D/E રેશિયો ૦.૯ થી ૧.૧ ની આસપાસ રહે છે. જો કે, વૈશ્વિક સ્તરે સ્ટીલના ભાવો અને સ્થાનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માંગને કારણે કંપનીનો ઓપરેટિંગ કેશ-ફ્લો મજબૂત રહે છે. સુધારેલી ઉત્પાદન ક્ષમતા અને કાર્યક્ષમ કેપિટલ મેનેજમેન્ટના કારણે જિંદાલ ગ્રુપ મેટલ સેક્ટરમાં મોખરાનું સ્થાન ધરાવે છે.

૮. ઓર્ગેનાઇઝ્ડ રિટેલ સેક્ટર

⭐ DMart – રાધાકિશન દામાણી પરિવાર

ભારતના કન્ઝ્યુમર અને રીટેલ સેક્ટરમાં રાધાકિશન દામાણી અને પરિવાર ₹૨.૦ લાખ કરોડની સંપત્તિ સાથે એક અનોખું સ્થાન ધરાવે છે. એવન્યુ સુપરમાર્ટ એટલે કે ડી માર્ટ ના સ્થાપક દામાણી પ્રથમ પેઢીના રોકાણકાર અને સાહસિક છે. ડી માર્ટ એ ભારતીય રિટેલ માર્કેટમાં ‘ઓન-ઓનરશિપ મોડેલ’ અપનાવ્યું છે, જ્યાં કંપની મોટાભાગના સ્ટોર્સ ભાડે લેવાને બદલે પોતે ખરીદે છે. આ કંપનીનો D/E રેશિયો માત્ર ૦.૦૨ છે, જે તેને લગભગ સંપૂર્ણ રીતે દેવા મુક્ત બનાવે છે. દરરોજ મોટી સંખ્યામાં થતા કેશ-સેલ્સના કારણે ઓપરેટિંગ કેશ-ફ્લો અત્યંત જંગી અને પોઝિટિવ રહે છે. ગ્રાહક લક્ષી બિઝનેસ મોડેલ અને શૂન્ય દેવાની વ્યૂહરચનાના લીધે રોકાણકારો માટે આ કંપની પ્રીમિયમ વેલ્યુએશન મેળવે છે.

૯. સીમેન્ટ, મેટલ્સ અને ટેક્સટાઇલ સેક્ટર

⭐ આદિત્ય બિરલા ગ્રુપ – બિરલા પરિવાર

ભારતના સૌથી પ્રાચીન અને વિશ્વાસપાત્ર કૌટુંબિક બિઝનેસ સામ્રાજ્યમાં કુમાર મંગલમ બિરલા અને પરિવાર ₹૧.૮ લાખ કરોડની સંપત્તિ ધરાવે છે. અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસિમ અને હિંડાલકો તેમની મુખ્ય કંપનીઓ છે. સીમેન્ટ અને એલ્યુમિનિયમ જેવા કેપિટલ-ઇન્ટેન્સિવ ક્ષેત્રોમાં વ્યાપક હાજરી હોવા છતાં, બિરલા ગ્રુપે નાણાકીય શિસ્ત જાળવી રાખી છે. તેમનો D/E રેશિયો ૦.૨ થી ૦.૪ ની અત્યંત સુરક્ષિત સપાટી પર છે. વિવિધ ક્ષેત્રોમાં વૈવિધ્યકરણ હોવાને કારણે દરેક સેક્ટરનો કેશ-ફ્લો એકબીજાને સપોર્ટ કરે છે. આ ગ્રુપ નું મેનેજમેન્ટ કોર્પોરેટ ગવર્નન્સ માટે જાણીતું છે.

૧૦. માઇનિંગ અને નેચરલ રિસોર્સિસ સેક્ટર

⭐ વેદાંત ગ્રુપ – અનિલ અગ્રવાલ પરિવાર

કુદરતી સંસાધનો અને માઇનિંગ ક્ષેત્રે અનિલ અગ્રવાલ અને પરિવાર ₹૧.૪ લાખ કરોડની નેટવર્થ ધરાવે છે. વેદાંત લિમિટેડ એ ફર્સ્ટ-જનરેશન સાહસિક દ્વારા ઊભી કરાયેલી ગ્લોબલ નેચરલ રિસોર્સિસ કંપની છે જે ઝિંક, એલ્યુમિનિયમ, ઓઇલ અને ગેસનું ઉત્પાદન કરે છે. કોમોડિટી સેક્ટર હોવાથી અને ભૂતકાળમાં મોટા સંપાદનો (Acquisitions) કર્યા હોવાથી કંપનીનો D/E રેશિયો ૧.૫ થી ૧.૮ ની વચ્ચે ઊંચો રહ્યો છે. કંપનીનો ઓપરેટિંગ કેશ-ફ્લો વૈશ્વિક કોમોડિટીના ભાવ પર નિર્ભર કરે છે. કંપની તેના શેરધારકોને ઊંચું ડિવિડન્ડ ચૂકવવા માટે જાણીતી છે, પરંતુ તેના ઊંચા લેવરેજ (દેવા) ને કારણે રોકાણકારોએ તેના કેશ-ફ્લો અને ડેટ રિપેમેન્ટ શિડ્યુલ પર સતત નજર રાખવી જરૂરી બને છે.

રોકાણકારો માટે ભલામણ :

ભારતના આ ૧૦ સૌથી ધનવાન વ્યાપારી પરિવારોનું નાણાકીય ચિત્ર સ્પષ્ટ કરે છે કે માત્ર સંપત્તિનું કદ મહત્વનું નથી, પરંતુ તે સંપત્તિ પાછળનું સેક્ટર, ડેટ-ટુ-ઈક્વિટી રેશિયો અને કેશ-ફ્લો જનરેશન ક્ષમતા સૌથી વધુ માયને રાખે છે. HCL, DMart અને Sun Pharma જેવી ઓછા દેવાવાળી કંપનીઓ સ્થિરતા અને સુરક્ષા આપે છે; જ્યારે Adani, Reliance અને JSW જેવા કેપિટલ-ઇન્ટેન્સિવ ગ્રુપો ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથમાં ઝડપી વૃદ્ધિની તકો પૂરી પાડે છે. રોકાણકારોએ પોતાના પોર્ટફોલિયોમાં આ બંને પ્રકારના સેક્ટર્સ અને બિઝનેસ મોડેલ્સનું યોગ્ય સંતુલન જાળવવું જોઈએ.

નિખિલ ભટ્ટ
Business Editor
Investment Point
Contact :- 99390 80808

25
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો