MORBI:મોરબી: ૧૮૧ અભયમ અને ૧૧૨ ટીમના સંયુક્ત પ્રયાસોથી રસ્તો ભૂલી ગયેલી માસૂમ બાળકીનું પરિવાર સાથે સુખદ મિલન

મોરબી કંડલા બાયપાસ પરથી રસ્તો ભૂલી ગયેલી એક પરપ્રાંતીય બાળકીને ૧૮૧ અભયમ અને ૧૧૨ પોલીસ ટીમે ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેના માતા-પિતા સાથે સુરક્ષિત મિલન કરાવી પ્રશંસનીય કામગીરી કરી છે.
જાગૃત નાગરિકની સમયસૂચકતા કંડલા બાયપાસ પર એક બાળકી છેલ્લા ત્રણેક કલાકથી એકલી અને ડરેલી હાલતમાં બેઠી હોવાનું એક જાગૃત નાગરિકના ધ્યાને આવ્યું હતું. બાળકી ડરના કારણે કંઈ બોલી શકતી ન હોવાથી નાગરિકે તાત્કાલિક ૧૮૧ અભયમ હેલ્પલાઇન પર કોલ કરી મદદ માંગી હતી.

કાઉન્સેલિંગ અનેસંયુક્ત તપાસ કોલ મળતા જ ૧૮૧ અભયમ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બાળકી અત્યંત ભયભીત હોવાથી ટીમે તેને પ્રેમપૂર્વક સાંત્વના આપી વિશ્વાસમાં લીધી હતી. પ્રાથમિક કાઉન્સેલિંગ દરમિયાન બાળકી રમતા-રમતા ઘરનો રસ્તો ભૂલી ગઈ હોવાનું સામે આવ્યું હતું, પરંતુ તે પોતાનું સરનામું જણાવી શકતી નહોતી.
આથી ૧૮૧ ટીમ અને ૧૧૨ની ટીમે સંકલન સાધી આસપાસના વિસ્તારમાં બાળકીના ઘરની સઘન શોધખોળ શરૂ કરી હતી. બાળકી અન્ય રાજ્યની હોવાનું જણાતા ટીમે નજીકની મિલો અને કારખાનાઓમાં તપાસ હાથ ધરી હતી.
પરિવાર સાથે સુખદ મિલન
એક મિલમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઉત્તર પ્રદેશથી મોરબી મજૂરી અર્થે આવેલા એક દંપતીની બાળકી ગુમ થઈ છે અને તેઓ તેની શોધખોળ કરી રહ્યા છે. ટીમે બાળકીની ઓળખ કરાવી તેને હેમખેમ તેના માતા-પિતાને સોંપી હતી.
ટીમ દ્વારા વાલીઓને વર્તમાન સમયમાં બાળકોની વિશેષ કાળજી રાખવા અને આવી બેદરકારી ન દાખવવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોતાની વહાલસોઈ દીકરી સુરક્ષિત પરત મળતા પરિવારજનો ભાવુક થઈ ગયા હતા અને ૧૮૧ અભયમ તથા ૧૧૨ પોલીસ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.









