13 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

સમય સાથે બદલાતી ટેકનોલોજી અને એ.આઈ યુગમાં કૌશલ્ય અને ઇનોવેશન અપનાવવું અનિવાર્ય છે: મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી.સફળતા પાછળ ગુરુ-વાલીઓનું યોગદાન અને માનવીય સંવેદના અનિવાર્ય:- જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી વસંતભાઈ પુરોહિત.શ્રદ્ધા અને આત્મવિશ્વાસના દીવા હૈયે પ્રગટાવીને મંઝિલ તરફ આગળ વધો: આજની યુવા પેઢી જ આવતીકાલના ભારતનું ભવિષ્ય ઘડનાર છે – ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર
પાલનપુર સ્થિત ધ સ્કૂલ ઓફ સાયન્સ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને ક્લાયમેટ ચેન્જ રાજ્ય મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને ‘ચેમ્પિયન ઓફ નીટ ૨૦૨૬’ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ સમારોહમાં મંત્રીશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે નીટ ૨૦૨૬ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્ય મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ વ્યક્તિને મંઝિલ સુધી પહોંચાડવાનું માત્ર પ્લેટફોર્મ પૂરું પાડે છે પરંતુ સાચું ઘડતર વિદ્યાર્થીઓની આંતરિક પ્રકૃતિ અને સમર્પણથી થાય છે. સમય સાથે બદલાતી ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આ યુગમાં માત્ર ડિગ્રી મેળવવા પૂરતું સીમિત ન રહેતા, વિદ્યાર્થીઓએ ભવિષ્યની જરૂરિયાતો અનુસાર કૌશલ્યો વિકસાવવા પડશે. તેમણે સચિન તેન્ડુલકર અને અન્ય પ્રેરણાદાયી ઉદાહરણો આપીને વિદ્યાર્થીઓને કોઈપણ ક્ષેત્રમાં સફળ થવા માટે ૧૦૦ ટકા સમર્પણ અને સખત મહેનત કરવા પ્રોત્સાહિત કર્યા હતા.મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વપ્ન છે, જેને સાકાર કરવાની જવાબદારી આજની આ યુવા પેઢીના શિરે છે. વિદ્યાર્થીઓએ પોતાના લક્ષ્યો સ્પષ્ટ રાખીને આગળ વધવું જોઈએ તેમજ કૃષિ જેવા ક્ષેત્રોમાં પણ આધુનિક ટેકનોલોજી અને ઇનોવેશન અપનાવીને દેશના વિકાસમાં યોગદાન આપવું જોઈએ.આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વસંતભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની આ સફળતા પાછળ તેમની પોતાની મહેનત ઉપરાંત ગુરુજનોનું માર્ગદર્શન અને માતા-પિતાનો મોટો ત્યાગ રહેલો છે. પુસ્તકીય જ્ઞાનની સાથેસાથે દર્દીઓ અને સમાજ પ્રત્યે સંવેદના હોવી એ એક સારા ડૉક્ટર અને આદર્શ નાગરિક માટે અત્યંત આવશ્યક છે, જેથી યુવાનોએ હંમેશા માનવીય મૂલ્યોને જાળવી રાખવા જોઈએ.આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું હતું કે, સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા આપવામાં આવતું ગુણવત્તાસભર શિક્ષણ વિદ્યાર્થીઓમાં ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી રહ્યું છે. શ્રદ્ધા અને આત્મવિશ્વાસના દીવા હૈયે પ્રગટાવીને વિદ્યાર્થીઓ પોતાના નિર્ધારિત માર્ગ પર આગળ વધશે તો મંઝિલ ચોક્કસ મળશે, અને આ જ યુવાનો દેશના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.આ કાર્યક્રમમાં પાલનપુર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સુનીતાબેન પટેલ સહિત વિવિધ મહાનુભાવો, અધિકારીશ્રીઓ, શાળાનો પરિવાર સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
















