તારીખ ૧૩/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા સ્થિત એરાલ ગામ પાસે સરકારી એસ.ટી. બસ અને અશોક લેલન્ડ હાઇવા ડમ્પર વચ્ચે સામસામે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં હાઇવાના ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે સરકારી બસમાં સવાર મુસાફરોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી છે. અકસ્માત બાદ બસ ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર, ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સવારે અંદાજે ૯:૦૦ વાગ્યાના અરસામાં એરાલ ગામના પાણિયા ફળિયા નજીક રોડ પર આ બનાવ બન્યો હતો. સેવાલીયા બજાર તા. ગળતેશ્વર, જી. ખેડા ખાતે રહેતા ૫૮ વર્ષીય ઈકબાલભાઈ ગુલામ નબી વહોરા પોતાની અશોક હાઇવા ગાડી નંબર GJ-01-DX-1305 લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન સામેથી પુરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી સરકારી એસ.ટી. બસ નંબર GJ-18-Z-7612 ના ચાલકે હાઇવાને જોરદાર ટક્કર મારી હતી.આ ધડાકાભેર ટક્કરમાં હાઇવા ચાલક ઈકબાલભાઈ વહોરાને માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. આ ઉપરાંત સરકારી બસમાં બેઠેલા મુસાફરોને પણ ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં મૃતકના પરિજનો કાલોલ રેફરલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો. મૃતકના ભત્રીજા પરવેઝભાઈ અબ્દુલ હમીદ વહોરાની ફરિયાદના આધારે વેજલપુર પોલીસે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા એસ.ટી. બસના ચાલક વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમા ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ૨૮૧, ૧૨૫(a), ૧૨૫(b), ૧૦૬(૧) તથા મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪, ૧૮૭ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ગુનો નોંધી ફરાર એસ.ટી. બસ ચાલકને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.









