તારીખ ૧૩/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
ગોધરા-કાલોલ હાઇવે રોડ પર આવેલા ચલાલી ચોકડી પાસે એક ઝડપભેર આવતી ફોર-વ્હીલર ગાડીના ચાલકે બાઇકને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં પિતા અને પુત્ર બંને ઇજાગ્રસ્ત થયા છે. આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફોર-વ્હીલરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી વિગતો અનુસાર, ઘોઘંબા તાલુકાના માલુ ગામના વતની રમણભાઈ વજાભાઈ રાઠવા (ઉ.વ. ૪૬) ના પિતા વજાભાઈ માનસિંગભાઇ રાઠવા (ઉ.વ. ૭૦) ને હાથ-પગમાં દુખાવો થતો હોવાથી તેઓ પોતાના બાઇક (નંબર: GJ-06-EP-8041) પર પિતાને બેસાડીને ગોધરા તાલુકાના હારેડા ગામે દવા લેવા ગયા હતા.જ્યાં દવા લઇને પરત ફરતી વખતે બપોરના આશરે ૧૨:૩૦ વાગ્યાના સુમારે વેજલપુર નજીક ચલાલી ચોકડી પાસે રસ્તો ક્રોસ કરતી વખતે, પુરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી એક ફોર-વ્હીલર ગાડી (નંબર: GJ-17-CP-3660) ના ચાલકે તેમની મોટરસાઇકલને જોરદાર ટક્કર મારી હતી.આ અકસ્માતમાં રમણભાઈને પગ તથા માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી, જ્યારે તેમના ૭૦ વર્ષીય વૃદ્ધ પિતા વજાભાઈને ડાબા હાથે તથા ડાબા પગે ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બંને ઇજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.સારવાર બાદ રમણભાઈને રજા આપવામાં આવી હતી, જે બાદ તેમણે વેજલપુર પોલીસ સ્ટેશન પહોંચી અકસ્માત સર્જી ભાગી છૂટેલા ફોર-વ્હીલર ગાડી (GJ-17-CP-3660) ના ચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.વેજલપુર પોલીસે બી.એન.એસ. (BNS) ની કલમ ૨૮૧, ૧૨૫(a) તથા મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪, ૧૮૭ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.









