વિજાપુરમાં વૃદ્ધ આંગડિયા કર્મચારી પાસેથી રૂ.6 લાખનું પાર્સલ સેરવી બે ગઠિયા ફરાર

‘બે નંબરનો માલ’ હોવાનું કહી રોક્યો, તલાશીના બહાને ત્રણ પાર્સલ કઢાવ્યા; એક કિંમતી પાર્સલ લઈ ફરાર
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુરમાં આંગડિયા પેઢીના 67 વર્ષીય વૃદ્ધ કર્મચારીને વાતોમાં ભોળવી તલાશીના બહાને રૂ.6 લાખની કિંમતનું કિંમતી માલ ધરાવતું પાર્સલ સેરવી લેવાની ઘટના સામે આવી છે. બનાવ અંગે વિજાપુર પોલીસે ફરિયાદ નોંધી બે અજાણ્યા ગઠિયાઓની શોધખોળ હાથ ધરી છે.
વિસનગરની અંબાલાલ હરગોવનદાસ પટેલ આંગડિયા પેઢીમાં ફરજ બજાવતા વિષ્ણુભાઈ પટેલ વિજાપુરમાં પાર્સલો એકત્રિત કરવા આવ્યા હતા. દરમિયાન એસ.એમ. જ્વેલર્સનું મુંબઈ મોકલવાનું રૂ.6 લાખની કિંમતનું પાર્સલ મેળવી તેઓ જૂની કોર્ટ પાસે અશોક ફરસાણ નજીકથી પસાર થઈ રહ્યા હતા.
તે સમયે બાઈક પર આવેલા બે અજાણ્યા ઈસમોએ તેમને આંતરી ‘બે નંબરનો માલ’ હોવાનું કહી રોક્યા હતા. ત્યારબાદ બંનેએ થેલા તથા પહેરેલી બંડીની તલાશી લેવાના બહાને અંદરના ત્રણેય પાર્સલો બહાર કઢાવ્યા હતા. પાર્સલો ચેક કર્યા બાદ પરત થેલામાં મુકાવી વૃદ્ધને વાતોમાં પરોવ્યા હતા.
વૃદ્ધ કર્મચારી આગળ નીકળ્યા બાદ શંકા જતાં થેલો તપાસતા એસ.એમ. જ્વેલર્સનું રૂ.6 લાખનું કિંમતી પાર્સલ ગાયબ હોવાનું જણાયું હતું. ઘટનામાં એક ઈસમ સફેદ શર્ટમાં જ્યારે બીજો હેલ્મેટ પહેરેલો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પાવતીની નકલ સાથે વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી સહિતના આધારે બંને ગઠિયાઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.








