ફૈઝ ખત્રી..શિનોર

શિનોર તાલુકાના સાધલી આઉટ પોસ્ટ ખાતે ગણેશ ઉત્સવને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. શિનોર પોલીસ દ્વારા ડીવાયએસપી આકાશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ગણેશ મંડળોના આયોજકો, ડી.જે. સંચાલકો અને શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.
બેઠક દરમિયાન ગણેશજીના આગમન અને વિસર્જન સમયે ડી.જે. સંચાલકોને પોલીસ દ્વારા મંજૂર કરવામાં આવેલા ગીતો જ વગાડવા માટે સૂચના આપવામાં આવી હતી. તેમજ સાઉન્ડ લિમિટનું પાલન કરી અવાજની માત્રા નિયંત્રિત રાખવા અને જાહેર શાંતિ જળવાઈ રહે તે માટે ખાસ અપીલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત વૈમનસ્ય ફેલાય અથવા કોઈની લાગણી દુભાય તેવા ગીતો ન વગાડવા માટે પણ પોલીસ દ્વારા ડી.જે. સંચાલકોને ખાસ સૂચના આપવામાં આવી હતી, જેથી ગણેશ ઉત્સવનો પ્રસંગ શાંતિપૂર્ણ અને ભાઈચારા સાથે ઉજવાઈ શકે.
બેઠકમાં ગણેશ મંડળોના આયોજકો તેમજ ડી.જે. સંચાલકોને કોઈ પ્રશ્ન કે સમસ્યા હોય તો પોલીસ સમક્ષ રજૂઆત કરવા માટે પણ જણાવવામાં આવ્યું હતું.
ગણેશ ઉત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને સૌ કોઈ શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરી શકે તે માટે શિનોર પોલીસે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.









