વિજાપુરમાં જિલ્લા કક્ષાની શાળાકીય ક્રિકેટ ટ્રાયલ યોજાઈશ્રી સ્વામિનારાયણ વિદ્યાસંકુલના ક્રિકેટ મેદાનમાં 275 જેટલા ખેલાડીઓએ અજમાવી પ્રતિભા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર



વિજાપુર ખાતે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SGFI) દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની શાળાકીય ક્રિકેટ સ્પર્ધા અંતર્ગત અંડર-14, અંડર-17 અને અંડર-19 ભાઈઓ-બહેનોની ખેલાડી પસંદગી માટેની ટ્રાયલ વિજાપુર શહેરની શ્રી સ્વામિનારાયણ વિદ્યાસંકુલ ખાતેના સુંદર ક્રિકેટ મેદાનમાં યોજાઈ હતી.
જિલ્લાની વિવિધ શાળાઓમાંથી ભાઈઓ અને બહેનો મળી આશરે 275 જેટલા વિદ્યાર્થીઓએ પસંદગી ટ્રાયલમાં ભાગ લઈ પોતાની ક્રિકેટ પ્રતિભા દર્શાવી હતી. ખેલાડીઓની પસંદગી માટે જિલ્લા સ્પોર્ટ્સ ટીમ દ્વારા સમગ્ર પ્રક્રિયા નિષ્પક્ષ અને તટસ્થ રીતે હાથ ધરવામાં આવી હતી.
ટ્રાયલ દરમિયાન ખેલાડીઓએ બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ સહિતની વિવિધ ક્રિકેટ કુશળતાનું પ્રદર્શન કર્યું હતું. જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓની પસંદગી આગામી શાળાકીય ક્રિકેટ સ્પર્ધા માટે કરવામાં આવશે.
ટ્રાયલમાં ભાગ લેનારા ખેલાડીઓએ બેટ, પેડ, ગ્લોઝ, હેલ્મેટ સહિતના જરૂરી ક્રિકેટ સાધનો સાથે હાજરી આપી હતી. અગાઉથી એન્ટ્રી કરાવેલા ખેલાડીઓએ પોતાની શાળાના જવાબદાર વ્યાયામ શિક્ષક સાથે સ્થળ પર હાજર રહી કન્વીનરને રિપોર્ટ કર્યો હતો.
ખેલાડીઓના આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિજાપુર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્થળ પર એમ્બ્યુલન્સ તૈનાત રાખવા ઉપરાંત આરોગ્ય કર્મચારીઓ દ્વારા જરૂરી તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.
શાળાકીય ક્રિકેટના આ જિલ્લા કક્ષાના ટ્રાયલમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લેતાં સમગ્ર મેદાન પર રમતગમતનો માહોલ જોવા મળ્યો હતો.










