તા.13/09/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


સુરેન્દ્રનગર જિલ્લામાં “આપત્તિ અને મુશ્કેલ સમયમાં જનસેવા એ જ સાચો ધર્મ” – આ સૂત્રને સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર જામાભાઈ પોપટભાઈ ગરિયાએ ફરી એકવાર સાર્થક કરી બતાવ્યું છે. ખેરાડી રોડ પર પોતાની આંખ સામે સર્જાયેલા ગંભીર અકસ્માત બાદ તેમણે તાત્કાલિક સ્થળ પર પહોંચીને બે ઈજાગ્રસ્ત યુવકોની જિંદગી બચાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મળતી માહિતી મુજબ, વોર્ડ નંબર 4 ના જાગૃત કોર્પોરેટર જામાભાઈ ગરિયા ખેરાડી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમની નજર સામે જ એક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં જ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તેઓ તાત્કાલિક ઈજાગ્રસ્તોની મદદે દોડી ગયા હતા. તેમણે વિલંબ કર્યા વગર જ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને ફોન કરીને ઘટના અંગે જાણ કરી હતી. આ સાથે જ તેમણે ઇજાગ્રસ્ત યુવકના ખિસ્સામાંથી મોબાઇલ ફોન કાઢી તેમના પરિજનોનો સંપર્ક કરીને બનાવની જાણ કરી હતી, જેથી પરિવારજનો પણ સમયસર હોસ્પિટલ પહોંચી શકે. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, ઈજાગ્રસ્ત યુવકો અજયભાઈ પ્રવીણભાઈ કમેજડીયા અને કિશનભાઇ બળદેવભાઈ કમેજડીયા મૂળ ખેરાળી ગામના રહીશ છે. સંકટના સમયે પ્રજાપ્રતિનિધિ તરીકેની પોતાની ફરજ અને માનવતા દાખવીને તાત્કાલિક મદદ પહોંચાડવા બદલ સ્થાનિકો અને ઈજાગ્રસ્તોના પરિવારજનો દ્વારા કોર્પોરેટર જામાભાઈ ગરિયાની આ કામગીરીને બિરદાવવામાં આવી રહી છે.










