રિપોર્ટર

હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઊગ્યો આશાનો સૂરજ: 100 દિવસમાં બ્લેડર એક્ષટ્રોફીની 8 જટિલ સર્જરી સફળ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદ સિવિલ હોસ્પિટલને મેડી સિટી બનાવવાના સંકલ્પની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન
અમદાવાદ, તા. — અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યંત દુર્લભ જન્મજાત ખામી બ્લેડર એક્ષટ્રોફીથી પીડાતા બાળકો માટે આશાનું નવું દ્વાર ખૂલ્યું છે. છેલ્લા 100 દિવસના ટૂંકા ગાળામાં શરીરની બહાર રહેલા મૂત્રાશયની આ ગંભીર જન્મજાત ખામી ધરાવતા 8 માસૂમ બાળકોની અત્યંત જટિલ પુનઃનિર્માણ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. આ સફળતા સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2009થી અત્યાર સુધીમાં બ્લેડર એક્ષટ્રોફીની 300થી વધુ જટિલ સર્જરી પૂર્ણ થઈ ચૂકી છે.
આ સફળ કામગીરીને કારણે બ્લેડર એક્ષટ્રોફીની સારવાર માટે અમદાવાદ સિવિલ મેડી સિટી માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશ-વિદેશમાં આશાના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સહયોગથી આ જટિલ અને ખર્ચાળ સારવાર જરૂરિયાતમંદ પરિવારોને સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અમદાવાદ સિવિલ હોસ્પિટલને મેડી સિટી બનાવવાનો સેવાકીય સંકલ્પ લીધો હતો. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ અમદાવાદ સિવિલ મેડી સિટી આરોગ્ય ક્ષેત્રે સતત નવી સિદ્ધિઓ હાંસલ કરી રહી છે. બ્લેડર એક્ષટ્રોફીની જટિલ સારવારમાં પ્રાપ્ત થયેલી આ સફળતા આ સેવાયાત્રામાં વધુ એક નોંધપાત્ર સિદ્ધિ બની છે.
શરીરની બહાર રહેલું મૂત્રાશય, સામાન્ય જીવન માટે મોટો પડકાર
સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે જન્મજાત ખામીને કારણે મૂત્રાશય શરીરની અંદર યોગ્ય રીતે વિકસતું નથી અને શરીરની બહાર ખુલ્લું રહે છે. તબીબી ભાષામાં આ સ્થિતિને Bladder Exstrophy–Epispadias Complex તરીકે ઓળખવામાં આવે છે.
આ અત્યંત દુર્લભ જન્મજાત ખામી આશરે 40થી 50 હજાર બાળકોમાંથી કોઈ એક બાળકમાં જોવા મળે છે. દીકરીઓની સરખામણીએ દીકરાઓમાં આ ખામીનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ સ્થિતિમાં બાળકના મૂત્રાશય ઉપરાંત પેલ્વિક હાડકાં, મૂત્રમાર્ગ અને આસપાસના અંગોની રચનામાં પણ ગંભીર અસામાન્યતા હોઈ શકે છે.
ભૂતકાળમાં આવી ખામી ધરાવતા બાળકો માટે સામાન્ય જીવન જીવવું અત્યંત મુશ્કેલ માનવામાં આવતું હતું. જોકે, આધુનિક તબીબી ટેક્નોલોજી, નિષ્ણાત તબીબોની કુશળતા અને વિવિધ વિભાગો વચ્ચેના સંકલનથી હવે આવા બાળકોને સફળ સારવાર બાદ સામાન્ય અને સુખમય જીવન તરફ આગળ વધવાની તક મળી રહી છે.
100 દિવસમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા 8 બાળકોની સફળ સારવાર
છેલ્લા 100 દિવસ દરમિયાન દેશના વિવિધ વિસ્તારોમાંથી બ્લેડર એક્ષટ્રોફીની ગંભીર ખામી ધરાવતા 8 બાળકો સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. દિલ્હીથી દોઢ વર્ષનો બાળક, મુંબઈ-મહારાષ્ટ્રથી 1 વર્ષનો બાળક, ઉત્તર પ્રદેશથી 4 વર્ષની દીકરી, ગુજરાતમાંથી દોઢથી ત્રણ વર્ષની ઉંમરના 4 બાળકો તથા કચ્છથી 8 વર્ષનો બાળક સારવાર માટે આવ્યા હતા.
આ તમામ બાળકોની જટિલ પુનઃનિર્માણ સર્જરી નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી. સર્જરી બાદ બાળકોને લાંબા સમય સુધી નિષ્ણાત દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા. 5 બાળકો સફળ સારવાર બાદ હસતા-રમતા પોતાના ઘરે પરત ફરી ચૂક્યા છે, જ્યારે અન્ય 3 બાળકોને પણ સારવાર પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં રજા આપવામાં આવશે.
આ સારવારનો મુખ્ય હેતુ માત્ર મૂત્રાશયને શરીરની અંદર સ્થાપિત કરવાનો નથી, પરંતુ બાળકનું મૂત્ર યોગ્ય રીતે બહાર નીકળી શકે, કિડનીને નુકસાનથી સુરક્ષિત રાખી શકાય અને બાળકના શારીરિક વિકાસ સાથે તેને શક્ય તેટલું સામાન્ય જીવન આપી શકાય તે સુનિશ્ચિત કરવાનો છે.
સર્જરી બાદની કાળજી પણ એટલી જ મહત્વપૂર્ણ
બ્લેડર એક્ષટ્રોફીની સર્જરી સામાન્ય સર્જરીની સરખામણીએ અત્યંત જટિલ અને પડકારજનક હોય છે. આ સારવારમાં સર્જરી જેટલું જ મહત્વ ઓપરેશન બાદની કાળજી અને સતત દેખરેખનું હોય છે.
બાળકના મૂત્રાશયને શરીરની અંદર યોગ્ય સ્થાને સ્થાપિત કરવા માટે પેલ્વિક ઓસ્ટિઓટોમી કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં પેલ્વિક વિસ્તારના હાડકાંને યોગ્ય સ્થિતિમાં લાવવામાં આવે છે, જેથી મૂત્રાશય અને આસપાસના અંગોના પુનઃનિર્માણ માટે જરૂરી માળખું તૈયાર થઈ શકે.
સર્જરી બાદ હાડકાં યોગ્ય રીતે જોડાઈ જાય તે માટે દર્દીને આશરે 28થી 30 દિવસ સુધી એક્સટર્નલ ફિક્સેટર પર રાખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન બાળકના હલનચલન પર નિયંત્રણ રાખવામાં આવે છે અને નિષ્ણાત ટીમ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવે છે.
સર્જરીના આશરે 15મા દિવસે યુરીન પાઇપ દૂર કરવામાં આવે છે. ત્યારબાદ 28મા દિવસે બહારથી આપવામાં આવેલ સપોર્ટ દૂર કરીને બાળકને ધીમે ધીમે હલનચલન માટે તૈયાર કરવામાં આવે છે. કેસની ગંભીરતા અને બાળકની તબિયત અનુસાર મહત્તમ 40 દિવસ સુધી સઘન સારવાર અને સંભાળ આપવામાં આવી શકે છે.
સંપૂર્ણ સારવાર બાદ બાળકોને સામાન્ય જીવન તરફ આગળ વધવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવે છે. સર્જરી બાદ આ બાળકો આજે હસી-રમીને સામાન્ય જીવન જીવી રહ્યાં છે, જે તેમના પરિવારો માટે ખુશી અને આશાનું કારણ બન્યું છે.
ખાનગી સારવાર કરતાં લાખો રૂપિયાનો ખર્ચ, સિવિલમાં સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર
બ્લેડર એક્ષટ્રોફીની સર્જરી અત્યંત જટિલ હોવાની સાથે લાંબી સારવાર અને હોસ્પિટલમાં દાખલ રહેવાની જરૂરિયાત ધરાવે છે. ખાનગી હોસ્પિટલમાં સર્જરી સહિત આશરે એક મહિના સુધી ચાલતી સારવારનો ખર્ચ રૂ. 10 લાખથી વધુ થઈ શકે છે.
આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ પરિવારો માટે આટલો મોટો ખર્ચ કરવો મુશ્કેલ બને છે. આવા સંજોગોમાં રાજ્યના આરોગ્ય વિભાગના સહયોગથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ સમગ્ર સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી રહી છે. પરિણામે દેશના વિવિધ રાજ્યોમાંથી આવતા બાળકોના પરિવારજનોને આર્થિક બોજ વિના અત્યાધુનિક તબીબી સારવાર મળી રહી છે.
2009થી 300થી વધુ સર્જરી, આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ
અમદાવાદ સિવિલ મેડી સિટીમાં વર્ષ 2009થી બ્લેડર એક્ષટ્રોફીની સારવાર કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં અહીં 300થી વધુ જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. આ કામગીરીમાં વિદેશી ફેકલ્ટી તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરના સર્જનોના સહયોગથી જ્ઞાન અને ટેક્નિકની આપ-લે પણ કરવામાં આવી છે.
સતત બે દાયકાની નજીકના અનુભવ અને મોટી સંખ્યામાં કરવામાં આવેલી જટિલ સર્જરીઓને કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલ આ દુર્લભ જન્મજાત ખામીની સારવાર માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસિત થઈ છે.
સુપર-સ્પેશિયાલિસ્ટ તબીબોની ટીમનું સંકલિત કાર્ય
બ્લેડર એક્ષટ્રોફી જેવી જટિલ સર્જરી એક જ વિભાગના પ્રયાસોથી સફળ થઈ શકે નહીં. આ માટે પીડિયાટ્રિક સર્જરી, ઓર્થોપેડિક્સ, એનેસ્થેસિયા અને નર્સિંગ સહિત વિવિધ વિભાગોના નિષ્ણાતો વચ્ચે ઉત્તમ સંકલન જરૂરી બને છે.
પીડિયાટ્રિક સર્જરી ટીમમાં ડૉ. રાકેશ જોષી અને ડૉ. જયશ્રી રામજીની આગેવાની હેઠળ જટિલ રી-કન્સ્ટ્રક્શન સર્જરી કરવામાં આવી હતી.
ઓર્થોપેડિક્સ વિભાગમાં પ્રોફેસર ડૉ. પિયુષ મિત્તલ અને તેમની ટીમે પેલ્વિક ઓસ્ટિઓટોમી જેવી નાજુક હાડકાંની સર્જરીની જવાબદારી સંભાળી હતી.
સર્જરી દરમિયાન નાના બાળકોને લાંબા સમય સુધી સુરક્ષિત રીતે એનેસ્થેસિયા આપવાની જવાબદારી એનેસ્થેસિયા વિભાગની નિષ્ણાત ટીમે સંભાળી હતી. બીજી તરફ, સર્જરી બાદના દિવસોમાં બાળકોની 24 કલાક સતત દેખરેખ, પીડાનિયંત્રણ, દવાઓ અને દૈનિક સંભાળમાં નર્સિંગ સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આ તમામ વિભાગોની ટીમે એકજૂથ થઈને કરેલા સંકલિત પ્રયાસોના પરિણામે અત્યંત જટિલ ગણાતી આ સર્જરીઓ સફળ બની છે.
માત્ર સર્જરી નહીં, બાળકના ભવિષ્યને સામાન્ય બનાવવાનો પ્રયાસ
અમદાવાદ સિવિલ હોસ્પિટલની આ કામગીરીનું સૌથી મહત્વપૂર્ણ પાસું એ છે કે સારવારનો ઉદ્દેશ માત્ર સર્જરી પૂર્ણ કરવાનો નથી. બાળકનું મૂત્રાશય યોગ્ય રીતે કાર્ય કરે, કિડની સુરક્ષિત રહે, ચેપનું જોખમ ઓછું થાય અને બાળક ઉંમર વધવાની સાથે સામાન્ય જીવન જીવી શકે તે માટે લાંબા ગાળાની સારવાર અને અનુસરણને પણ મહત્વ આપવામાં આવે છે.
આઠ બાળકોની સફળ સારવારથી તેમના પરિવારોમાં ખુશીની લાગણી પ્રસરી છે. એક સમયે બાળકનું ભવિષ્ય કેવી રીતે રહેશે તેની ચિંતામાં રહેલા માતા-પિતાને હવે તેમના સંતાનને સામાન્ય રીતે હસતા-રમતા જોવાની આશા મળી છે.
અમદાવાદ સિવિલ મેડી સિટીની આ સિદ્ધિ એ વાતનો પુરાવો છે કે અદ્યતન તબીબી સુવિધા, નિષ્ણાત માનવબળ, ટીમ વર્ક અને સરકારી સહયોગનું સંયોજન હોય તો અત્યંત દુર્લભ અને જટિલ જન્મજાત ખામીઓની સારવાર પણ સફળતાપૂર્વક શક્ય બની શકે છે.
આ કામગીરીથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ આરોગ્ય સેવાના ક્ષેત્રમાં માત્ર ગુજરાત માટે જ નહીં, પરંતુ દેશભરના જરૂરિયાતમંદ પરિવારો માટે આશાનું મજબૂત કેન્દ્ર બની રહી છે.









