વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાની અંબિકા,ખાપરી,પૂર્ણાં અને ગીરા નદીઓમાં પાણીની આવક વધતા ગાંડીતુર બની,અમુક જગ્યાએ ભેખડો ધસી પડતા માર્ગો અવરોધાયા..
ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘમહેર યથાવત રહેતા સમગ્ર જિલ્લો વરસાદી માહોલમાં તરબોળ બન્યો છે.છેલ્લા 24 કલાકથી વરસી રહેલા વરસાદનાં પગલે ડાંગની અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા સહિતની નદીઓનાં જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે.નદીઓમાં પાણીની આવક વધતા અનેક સ્થળોએ નદી-નાળા ગાંડીતુર બન્યા હોવાનાં દ્રશ્યો જોવા મળ્યા હતા.સતત વરસી રહેલા વરસાદના કારણે ડાંગ જિલ્લાનું કુદરતી સૌંદર્ય પણ સોળે કળાએ ખીલી ઊઠ્યું છે.જંગલ વિસ્તાર તેમજ માર્ગોની આસપાસ આવેલા અનેક ઝરણા ફરી સક્રિય બન્યા છે.અંબિકા નદીમાં પાણીની આવક વધતા વઘઇ નજીકનો પ્રસિદ્ધ ગીરાધોધ પણ સક્રિય બન્યો છે.અને ધોધનું નયનરમ્ય દૃશ્ય જોવા મળી રહ્યું છે.વરસાદી માહોલ વચ્ચે ગિરિમથક સાપુતારામાં પણ પ્રવાસીઓનો મેળાવડો જામ્યો હતો.સતત બીજા દિવસે સાપુતારા ગાઢ ધુમ્મસની સફેદ ચાદરથી ઢંકાયેલું જોવા મળતા સમગ્ર ગિરિમથકનું વાતાવરણ આહલાદક બની ગયું હતુ.સાપુતારા ઉપરાંત ઘાટમાર્ગમાં પણ ગાઢ ધુમ્મસ છવાઈ રહેતા વાહનચાલકોને દિવસ દરમિયાન પણ વાહનોની લાઈટ ચાલુ રાખીને સાવચેતીપૂર્વક વાહન હંકારવાની ફરજ પડી હતી.બીજી તરફ, ભારે વરસાદના પગલે ડાંગ જિલ્લામાં કેટલાક માર્ગો ઉપર ભેખડો અને માટીનો મલબો ધસી પડવાની ઘટનાઓ પણ સામે આવી છે. આહવા-વઘઇ રાજ્ય ધોરીમાર્ગ પર ભવાનદગડ નજીક ભેખડો અને માટીનો મલબો ધસી પડતાં માર્ગ પર અવરોધ સર્જાયો હતો. જ્યારે આહવા-શામગહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આહવા શિવઘાટ નજીક પણ માટીનો મલબો ધસી પડ્યો હતો. આ ઉપરાંત કેટલાક આંતરિક માર્ગો પણ વરસાદના કારણે કલાકો સુધી અવરોધિત રહ્યા હતા.ડાંગ જિલ્લામાં વરસાદના કારણે નદી-નાળાઓમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું હોવાથી ડાંગ વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને નદી, નાળા, ધોધ અને અન્ય જોખમી સ્થળોની નજીક ન જવા તેમજ વરસાદી પરિસ્થિતિમાં અનાવશ્યક પ્રવાસ ટાળવા લોકોને અપીલ કરવામાં આવી છે.ભારે વરસાદે એક તરફ માર્ગ વ્યવસ્થાને પડકાર્યો છે, તો બીજી તરફ ડાંગના જંગલો, ઝરણાં, નદીઓ અને ધોધને જીવંત બનાવી સમગ્ર જિલ્લામાં કુદરતી સૌંદર્યમાં અદભુત નજારો સર્જ્યો છે..








