વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ
સાપુતારા સર્પગંગા તળાવમાં 20 વર્ષ જૂની બોટો સામે પ્રવાસીઓની સુરક્ષાના સવાલો વચ્ચે તંત્રની દેખરેખ સામે પણ પ્રશ્નાર્થ..
ગિરિમથક સાપુતારાના સર્પગંગા તળાવમાં પ્રવાસીઓ માટે ચાલતુ નૌકાવિહાર હવે રોજેરોજ વિવાદોના ઘેરામાં આવી રહ્યુ છે.સર્પગંગા તળાવમાં જર્જરિત અને વર્ષો જૂની બોટોના ઉપયોગનો મુદ્દો પ્રકાશમાં આવ્યા બાદ પ્રવાસીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વર્ષો જૂની અને ઘસાઈ ગયેલી બોટોમાં પ્રવાસીઓને બેસાડી વરસાદ, ધુમ્મસ અને પ્રતિકૂળ હવામાન વચ્ચે પણ નૌકાવિહાર ચાલુ રાખવામાં આવતો હોવાના આક્ષેપો વચ્ચે તંત્રની દેખરેખ અને સલામતી વ્યવસ્થા સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.સર્પગંગા તળાવ સાપુતારાનું મહત્વનું પ્રવાસન સ્થળ હોવાથી દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ નૌકાવિહારનો આનંદ માણવા પહોંચે છે. જોકે, નૌકાવિહાર માટે ઉપયોગમાં લેવાતી કેટલીક બોટો આશરે બે દાયકાથી જૂની હોવાનું સામે આવતા તેમની મજબૂતી, ફિટનેસ અને સલામતી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.તાજેતરમાં વરસાદી પાણી ભરાઈ જવાથી કેટલીક બોટો ડૂબેલી અથવા પાણીમાં ખૂંપેલી હાલતમાં જોવા મળતી હોવાના દૃશ્યો પણ સામે આવ્યા હતા.હાલ ચોમાસાની ઋતુમાં સાપુતારામાં અવારનવાર ધોધમાર વરસાદ સાથે ગાઢ ધુમ્મસ છવાઈ જાય છે. આવા સમયે તળાવ પર દૃશ્યતા ઘટી જતી હોવા છતાં નૌકાવિહાર ચાલુ રાખવામાં આવે તો પ્રવાસીઓની સલામતી સામે જોખમ ઊભું થઈ શકે છે. ખાસ કરીને બોટમાં બાળકો અને પરિવાર સાથે આવેલા પ્રવાસીઓની સંખ્યા વધુ હોય છે.ત્યારે નાની સરખી બેદરકારી પણ ગંભીર દુર્ઘટનામાં પરિણમી શકે છે.પ્રવાસીઓની સુરક્ષા માટે બોટની ફ્લોટેશન સિસ્ટમ, લાઇફ જેકેટ, બોટની મજબૂતી, એન્જિન, સ્ટિયરિંગ સિસ્ટમ તેમજ અન્ય બચાવ સાધનોની નિયમિત તપાસ થવી જરૂરી છે. પરંતુ આ તમામ સલામતી વ્યવસ્થાઓની ખરેખર કેટલા સમયાંતરે તપાસ થાય છે અને છેલ્લે ક્યારે ટેકનિકલ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું તે અંગે પારદર્શિતા જાળવવી પણ એટલી જ જરૂરી બની છે.સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો નૌકાવિહાર માટે ઉપયોગમાં લેવાતી બોટો વર્ષોથી સેવા આપી રહી હોય તો તેમની ફિટનેસ અને સલામતી અંગે નિયમિત પ્રમાણપત્રો મેળવવામાં આવ્યા છે કે નહીં? બોટની નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ પ્રવાસીઓને બેસાડવામાં આવતા નથી ને? દરેક પ્રવાસીને લાઇફ જેકેટ આપવામાં આવે છે કે નહીં? તેમજ બોટચાલક પાસે જરૂરી તાલીમ અને લાયકાત છે કે નહીં? આવા સવાલોના સ્પષ્ટ જવાબો તંત્ર દ્વારા જાહેર કરવા જરૂરી બન્યા છે.સાથે જ વરસાદ અને ધુમ્મસ દરમિયાન નૌકાવિહાર બંધ રાખવા અંગેના નિયમોનું પાલન થાય છે કે નહીં તે પણ તપાસનો વિષય બન્યો છે. હવામાન વિભાગ તરફથી પ્રતિકૂળ હવામાનની આગાહી હોય અથવા તળાવ પર દૃશ્યતા અત્યંત ઓછી હોય ત્યારે પ્રવાસીઓની મજા કરતાં તેમની સુરક્ષાને પ્રથમ પ્રાધાન્ય આપવું જરૂરી છે.આ દરમિયાન, જર્જરિત બોટો અને પ્રતિકૂળ હવામાન વચ્ચે બોટિંગ અંગેના અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ તંત્ર દ્વારા ભારે વરસાદ દરમિયાન નૌકાવિહાર બંધ રાખવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે.આ કાર્યવાહીથી ખરાબ હવામાનમાં બોટિંગ અંગે સાવચેતી રાખવાની આવશ્યકતા સ્પષ્ટ થાય છે.હવે મુખ્ય સવાલ એ છે કે હવામાન સામાન્ય થતાં ફરી જૂની બોટોનું યોગ્ય ટેકનિકલ નિરીક્ષણ કર્યા વિના નૌકાવિહાર શરૂ કરવામાં આવશે કે પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને કડક સલામતી ધોરણો લાગુ કરવામાં આવશે?પ્રવાસન સ્થળ તરીકે સાપુતારાની પ્રતિષ્ઠા જાળવવા માટે માત્ર પ્રવાસીઓની સંખ્યા અને આવક વધારવા કરતાં તેમની સુરક્ષાને વધુ મહત્વ આપવું જરૂરી છે. તંત્ર દ્વારા સર્પગંગા તળાવમાં નૌકાવિહાર માટે ઉપયોગમાં લેવાતી તમામ બોટોનું સંપૂર્ણ ટેકનિકલ નિરીક્ષણ કરાવવામાં આવે અને જરૂરી જણાય તો જર્જરિત બોટોને સેવામાંથી દૂર કરી નવી અથવા સંપૂર્ણપણે ફિટ બોટ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.પ્રવાસીઓની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન થાય અને નૌકાવિહાર ફરી શરૂ કરતાં પહેલાં તમામ સલામતી માપદંડોનું કડક પાલન કરવામાં આવે તેવી માંગ પ્રવાસીઓ તેમજ સ્થાનિકોમાંથી ઉઠી રહી છે..









