‘ઇન્ડિયા માર્ચ ફોર સાયન્સ’ દરમિયાન વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો અને સામાજિક કાર્યકર્તાઓના એક સમૂહે સરકાર પાસે E20 ફ્યુઅલના રોલઆઉટને તાત્કાલિક અસરથી પાછું ખેંચવાની માંગ કરી છે. આ સાથે જ તેમણે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ને નાબૂદ કરવાની અને દેશભરમાં અંધશ્રદ્ધા/કાળા જાદુ વિરોધી કાયદો બનાવવાની પણ સ્પષ્ટ માંગ કરી છે..

પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો અને સામાજિક કાર્યકરોના એક સમૂહે સરકારની નીતિઓ વૈજ્ઞાનિક પુરાવાઓ પર આધારિત હોવી જોઈએ તે બાબત પર ભાર મૂક્યો છે. મુંબઈમાં શનિવારે ‘ઇન્ડિયા માર્ચ ફોર સાયન્સ’ દરમિયાન એક સંયુક્ત અપીલ જાહેર કરવામાં આવી હતી, જેમાં સ્યુડો-સાયન્સ (છદ્મ વિજ્ઞાન) ને પ્રોત્સાહન આપવા, પુરાવાઓને નજરઅંદાજ કરતી સરકારી નીતિઓ અને શિક્ષણ તથા સંશોધન (રિસર્ચ) ક્ષેત્રે ઘટતા જતાં સરકારી રોકાણ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
આ સંયુક્ત અપીલ પર દેશના અનેક નામાંકિત વૈજ્ઞાનિકોએ હસ્તાક્ષર કર્યા છે, જેમાં CEBS મુંબઈના પદ્મભૂષણ એવોર્ડ વિજેતા પ્રો. એમ. એસ. રઘુનાથન, SSB એવોર્ડ વિજેતા અને ‘બ્રેકથ્રુ સાયન્સ સોસાયટી’ના પ્રમુખ પ્રો. એસ. જી. દાની, HBCSE-TIFR ના પ્રો. અનિકેત સુલે, મુંબઈ યુનિવર્સિટીના પ્રો. બી. એમ. અરોડા, પૂર્વ TIFR ના ડૉ. એન. ક્રિષ્નન અને મુંબઈ પ્રેસ ક્લબના સચિવ અનિલ કુમાર સિંહ સામેલ છે.
વૈજ્ઞાનિકોના સમૂહે E20 ફ્યુઅલ નીતિને તાત્કાલિક અટકાવવાની માંગ કરતા લાઈફ-સાયકલ એન્વાયર્નમેન્ટલ એસેસમેન્ટ અને તેને મદદરૂપ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અછતનો હવાલો આપ્યો છે. આ અગાઉ વિપક્ષી પક્ષોએ પણ E20 પોલિસીનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત તાજેતરમાં થયેલા પેપર લીક અને NEET પરીક્ષા અંગેના વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને NTA ને બરખાસ્ત કરવાની તથા પરીક્ષા પ્રણાલીમાં મૂળભૂત સુધારા કરવાની માંગ કરવામાં આવી છે. વૈજ્ઞાનિકોએ પીગળતા ગ્લેશિયર, સમુદ્રની વધતી જળસપાટી અને ઝડપથી વિલુપ્ત થઈ રહેલી પ્રજાતિઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે.
કેન્દ્રીય બજેટના ઓછામાં ઓછા 10% અને રાજ્ય બજેટના ઓછામાં ઓછા 30% હિસ્સાની ફાળવણી શિક્ષણ ક્ષેત્ર માટે કરવામાં આવે.
સંશોધન (રિસર્ચ અને ડેવલપમેન્ટ) પર થતો કુલ ખર્ચ જીડીપી (GDP) ના વર્તમાન 0.7% થી વધારીને ઓછામાં ઓછો 3% કરવામાં આવે.
આયોજકોએ ‘વિજ્ઞાન અપનાવો, ભવિષ્ય સુરક્ષિત કરો’ ના નારા સાથે દેશના નાગરિકોને તાર્કિક વિચારસરણી અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા આહ્વાન કર્યું છે.









