WAKANER:વાંકાનેરમાં ગાજવીજ સાથે ધીમીધારે મેઘરાજાની એન્ટ્રી

લાંબા વિરામ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક, ખેડૂતોમાં ઉભા પાકને લઈ આશા સાથે ચિંતા
આરીફ દિવાન, વાંકાનેર:વરસાદ ની રાહ જોઈ રહેલા વાંકાનેર પંથકમાં લાંબા વિરામ બાદ આખરે મેઘરાજાએ ગાજવીજ સાથે ધીમીધારે એન્ટ્રી કરતાં લોકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો. સવારથી જ વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, જ્યારે સમીસાંજે ગાજવીજ સાથે હળવો વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા સમયથી વરસાદના વિરામને કારણે ઉકળાટ અને બફારાથી લોકો પરેશાન હતા. ત્યારે આજે પડેલા સામાન્ય વરસાદે વાતાવરણમાં ઠંડક લાવી લોકો અને પશુ-પક્ષીઓને પણ રાહત આપી હતી. જોકે, વરસાદનું પ્રમાણ હાલ ઓછું રહેતા ખેડૂતોની નજર હજુ પણ આકાશ તરફ મંડાયેલી છે.

ખાસ કરીને ચોમાસુ પાક હાલ વિવિધ તબક્કામાં હોવાથી વરસાદની વધતી-ઘટતી સ્થિતિ ખેડૂતો માટે આશા અને ચિંતાનું કારણ બની છે. સમયસર અને પ્રમાણસર વરસાદ પાક માટે આશીર્વાદરૂપ બની શકે છે, જ્યારે અતિવૃષ્ટિ કે સતત વરસાદની સ્થિતિમાં ઉભા પાકને નુકસાન થવાની પણ ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.વાંકાનેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થતાં ખેડૂતોમાં સારા વરસાદની આશા ફરી જીવંત બની છે. બીજી તરફ સામાન્ય વરસાદથી ગરમી અને બફારા વચ્ચે લોકોને પણ ઠંડકનો અનુભવ થયો છે.
“કુદરત કૃપાળુ હોય તો બધું સારું” એવી આશા સાથે ખેડૂતો સહિત સામાન્ય લોકો મેઘરાજા હવે નિયમિત મહેર વરસાવે અને ચોમાસું ખેતી માટે ફળદાયી બને તેવી પ્રાર્થના કરી રહ્યા છે. લાંબા વિરામ બાદ થયેલી મેઘરાજાની આ પધરામણીથી વાંકાનેર પંથકમાં ચોમાસાની ફરી સક્રિયતાની આશા જાગી છે.










