દેશમાં સક્રિય થયેલી હવામાન પ્રણાલીઓને કારણે 14 થી 19 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. ચોમાસુ ધરી સામાન્ય સ્થિતિ કરતાં દક્ષિણ તરફ સરકી છે અને મધ્ય પ્રદેશ પર સર્જાયેલું લો પ્રેશર પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાન તરફ પહોંચવાની સંભાવના છે. દક્ષિણ કોંકણ અને નજીકના અરબી સમુદ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય હોવાથી ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને કોંકણમાં વરસાદી માહોલ જળવાઈ રહી શકે છે. હવામાન વિભાગે માછીમારોને ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠા પાસે દરિયામાં ન જવાની ચેતવણી આપી છે.

દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ઉત્તર વિદર્ભની આસપાસ બનેલું લો પ્રેશર ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ તેમજ અરબી સમુદ્ર પરના સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે સારો વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં 14 થી 17 સપ્ટેમ્બર દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. ગુરુગ્રામ, ફરીદાબાદ, નોઈડા અને ગાઝિયાબાદ જેવા વિસ્તારોમાં વરસાદથી રાહત મળી શકે છે, પરંતુ રસ્તાઓ પર પાણી ભરાવાની અને વાહન વ્યવહાર ધીમો પડવાની સમસ્યા સર્જાઈ શકે છે.
ઉત્તર પ્રદેશમાં 14 સપ્ટેમ્બરે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ખાસ કરીને પશ્ચિમી અને મધ્ય ઉત્તર પ્રદેશમાં વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે.
બિહારમાં 14 અને 15 સપ્ટેમ્બરે છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે. ત્યાર બાદ 15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ પડી શકે છે. પટના, ગયા, મુઝફ્ફરપુર, વૈશાલી, સારણ, સિવાન, ગોપાલગંજ, દરભંગા, મધુબની, સુપૌલ, પૂર્ણિયા અને કટિહાર સહિતના વિસ્તારોમાં હવામાન પલટાઈ શકે છે.
ઝારખંડમાં 14 થી 19 સપ્ટેમ્બર સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદી સિલસિલો જળવાઈ રહેશે. અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે ગાજવીજ અને વરસાદ જોવા મળી શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે. ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 14 થી 19 સપ્ટેમ્બર દરમિયાન વ્યાપક વરસાદની આગાહી છે. ઉત્તર ભાગમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જ્યારે ગંગાના મેદાની વિસ્તારોમાં પણ 14 અને 15 સપ્ટેમ્બરે વરસાદની શક્યતા છે.
રાજસ્થાનમાં 14 અને 15 સપ્ટેમ્બર દરમિયાન પૂર્વીય ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. પશ્ચિમ રાજસ્થાનમાં પણ સિસ્ટમની અસરથી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. મધ્ય પ્રદેશ પર બનેલી સિસ્ટમના કારણે પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 14 અને 15 સપ્ટેમ્બરે વ્યાપક વરસાદ અને ગાજવીજની શક્યતા છે. કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ પડી શકે છે. પૂર્વીય મધ્ય પ્રદેશમાં પણ વરસાદની અસર રહેશે અને અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ થઈ શકે છે.
પંજાબ, હરિયાણા અને ચંડીગઢમાં 14 થી 17 સપ્ટેમ્બર વચ્ચે વિવિધ સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. બંને રાજ્યોના અનેક વિસ્તારોમાં વરસાદની અસર રહેશે.









