રિપોર્ટર.કાદિર દાઢી.હાલોલ

તા.૧૫.૯.૨૦૨૬
હાલોલ શહેરના મુખ્ય તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે. તળાવના કાંઠે અને કચરાના ઢગલા વચ્ચે મોટી સંખ્યામાં માછલીઓના મૃતદેહ જોવા મળતા તળાવના પાણીની ગુણવત્તા તેમજ નગરપાલિકાની સફાઈ કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ સાથે સવાલો ઊભા થયા છે.ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમો અને રી-પ્રોસેસિંગ યુનિટો દ્વારા કેમિકલયુક્ત ઝેરી પાણીનો કેનાલમાં નિકાલ કરવામાં આવ્યો હતો, જેના કારણે મોટા પ્રમાણમાં માછલીઓ મૃત્યુ પામી હતી. તે સમયે તંત્ર દ્વારા તપાસ હાથ ધરીને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર હજારો માછલીઓના મોત થતાં પાણીમાં ઝેરી કેમિકલ ભળ્યું છે કે અન્ય કોઈ કારણ છે, તે નગરપાલિકા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) માટે તપાસનો ગંભીર વિષય બન્યો છે.હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે આ તળાવના બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી હોવા છતાં તળાવમાં ગંદકી અને કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. દૂષિત પાણી અને દુર્ગંધના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. સ્થાનિક રહીશો દ્વારા તળાવમાંથી મૃત માછલીઓ અને કચરો તાત્કાલિક દૂર કરવામાં આવે, પાણીના નમૂના લઈ યોગ્ય તપાસ થાય તેમજ ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવે તેવી કડક માંગ કરવામાં આવી છે.











