MORBI: મોરબી ‘રાધાકૃષ્ણ જ્વેલર્સ’માંથી દાગીના ચોરી કરનાર પિતા-પુત્ર ઝડપાયા, પાણીના ટાંકામાંથી મુદ્દામાલ રિકવર

મોરબી શહેરના સરદાર રોડ પર આવેલી ‘રાધાકૃષ્ણ જ્વેલર્સ’ નામની દુકાનમાં પાછળની દીવાલ તોડીને થયેલી લાખો રૂપિયાની ચોરીનો ભેદ સીટી ‘એ’ ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીમાં સંડોવાયેલા પિતા-પુત્રની ધરપકડ કરી પાણીના ટાંકામાં છુપાવેલો તમામ મુદ્દામાલ તથા બાઇક મળી કુલ ₹૧૭.૭૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પાછળની દીવાલમાં બાકોરું પાડી કરી હતી ચોરી ગત તા. ૫/૯/૨૦૨૬ની રાત્રિ દરમિયાન સરદાર રોડ પર આવેલી રાધાકૃષ્ણ જ્વેલર્સની દુકાનની પાછળની દીવાલ તોડી અજાણ્યા તસ્કરો અંદર ઘૂસ્યા હતા. દુકાનમાંથી સોના-ચાંદીના દાગીના કિંમત ₹૧૭,૨૪,૦૦૦/-ની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા, જે અંગે પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
૨૫૦ સીસીટીવી કેમેરા અને ‘નેત્રમ’ની મદદથી ભેદ ઉકેલાયો બોર્ડર રેન્જ આઇજીપી ચિરાગ કોરડીયા, એસપી મુકેશકુમાર પટેલ તથા ડીવાયએસપી જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ પીઆઇ વાય.બી.જાડેજા અને સર્વેલન્સ ટીમે તપાસ શરૂ કરી હતી. ટીમે ઘટનાસ્થળ આસપાસના આશરે ૨૫૦ જેટલા સીસીટીવી કેમેરા, મોરબી ‘નેત્રમ’ પ્રોજેક્ટના ફૂટેજ તેમજ હ્યુમન સોર્સિસની મદદથી કડીઓ જોડી હતી. બાતમીના આધારે વાવડી રોડ, શ્રીજી પાર્કમાં રહેતા પિતા-પુત્ર શંકાના દાયરામાં આવ્યા હતા.
પાણીના ટાંકામાં છુપાવ્યો હતો સોના-ચાંદીનો જથ્થો પોલીસે વાવડી રોડ સ્થિત મકાનમાં દરોડો પાડી તપાસ હાથ ધરતા ભોંયતળિયે આવેલા પાણીના ટાંકામાંથી ચોરી થયેલો તમામ મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે સોના-ચાંદીના દાગીના (કિંમત ₹૧૭,૨૪,૦૦૦/-) અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ સ્પ્લેન્ડર બાઇક (નં. GJ-36-AM-7998, કિંમત ₹૫૦,૦૦૦/-) મળી કુલ ₹૧૭,૭૪,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઝડપાયેલા આરોપીઓ:કરીમભાઇ હાસમભાઇ માણેક (વાઘેર) (ઉં.વ. ૫૩, ધંધો: મજૂરી)મુસ્તાકભાઇ કરીમભાઇ માણેક (વાઘેર) (ઉં.વ. ૨૪, ધંધો: મજૂરી) (બંને રહે. હાલ શ્રીજી પાર્ક, વાવડી રોડ, મોરબી; મૂળ રહે. નવી નવલખી, તા. માળીયા મીંયાણા)
પોલીસે બંને આરોપીઓ સામે બી.એન.એસ. કલમ હેઠળ કાર્યવાહી કરી ચોરીનો વણઉકેલાયેલો ગુનો ડિટેક્ટ કર્યો છે. આ સફળ કામગીરી પીઆઇ વાય.બી.જાડેજા, પીએસઆઇ જે.સી.ગોહિલ તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.









