વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

સુબીર તાલુકાના કાકશાળા ગામે નવનિર્માણ પામી રહેલી શાળાના બાંધકામની ગુણવત્તા અંગે સ્થાનિક ગ્રામજનો અને આગેવાનો દ્વારા ફરિયાદો ઉઠતા તંત્રમાં દોડધામ મચી હતી. શાળાનું બાંધકામ નબળી ગુણવત્તાનું થઈ રહ્યું હોવાના આક્ષેપો સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બન્યા હતા.
આ મામલે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ ગામીત તાત્કાલિક એક્શન મોડમાં આવ્યા હતા. તેમણે કોઈ પૂર્વ સૂચના વિના કાકશાળા ગામે પહોંચી નવનિર્માણ પામી રહેલી શાળાના બાંધકામની ઓચિંતી સ્થળ મુલાકાત લીધી હતી.
આ દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ પવાર તથા જિલ્લા પંચાયતના સદસ્ય અને આરોગ્ય ચેરમેન દિનેશભાઈ હિલિમપણ ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો દ્વારા સ્થળ પર બાંધકામમાં વપરાતી સામગ્રી અને ચાલી રહેલી કામગીરીની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી.
સ્થળ તપાસ દરમિયાન બાંધકામની કામગીરી અંગે કેટલીક ખામીઓ જોવા મળતા જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામીતે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સ્થળ પરથી જ સંબંધિત કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરી કામગીરીમાં ગુણવત્તાના ધોરણો જાળવવા કડક સૂચના આપી હતી.
પ્રમુખે અત્યાર સુધી કરવામાં આવેલા નબળી ગુણવત્તાના બાંધકામને દૂર કરી સરકારી નિયમો અને નિર્ધારિત માપદંડો મુજબ ગુણવત્તાસભર કામગીરી કરવા જણાવ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે શાળાના બાંધકામમાં કોઈપણ પ્રકારની બેદરકારી કે ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં.
રાજેશભાઈ ગામીતે જણાવ્યું હતું કે, “શાળા બાળકોના ભવિષ્ય અને સલામતી સાથે જોડાયેલું મહત્વપૂર્ણ સ્થળ છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય અને સલામતી સાથે ચેડાં કરતી નબળી કામગીરી કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.”
જિલ્લા પંચાયત પ્રમુખની ઓચિંતી સ્થળ મુલાકાત અને કડક વલણને પગલે સંબંધિત તંત્ર તથા કોન્ટ્રાક્ટર વર્ગમાં ચકચાર મચી હતી. બીજી તરફ ગ્રામજનોએ શાળાના બાંધકામમાં ગુણવત્તા જળવાય તે માટે લેવાયેલા આ પગલાને આવકાર્યું હતું.









