બ્રિજેશ પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ
સુરત/નેત્રંગ: સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા અને શાળા વહીવટમાં લોકભાગીદારી સુદ્રઢ કરવાના ભાગરૂપે SRF Foundation ના નેત્રંગ પ્રોજેક્ટ અંતર્ગત એક દિવસીય પ્રેરણા પ્રવાસ (Exposure Visit) યોજાયો હતો. આ કાર્યક્રમમાં નેત્રંગ તાલુકાની ૧૦ સરકારી પ્રાથમિક શાળાઓના આચાર્ય, શાળાના શિક્ષકો તેમજ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (SMC) ના સભ્યો અને વાલીઓ સહિત કુલ ૬૦ સક્રિય સભ્યોએ કામરેજ તાલુકાની મોડેલ શાળા પીએમ શ્રી સરકારી પ્રાથમિક શાળા, વાવ ની મુલાકાત લીધી હતી.
કાર્યક્રમ દરમિયાન પીએમ શ્રી વાવ શાળાના મુખ્ય આચાર્યા શ્રીમતી પ્રજ્ઞાબેન પટેલે વર્ષ ૨૦૧૨ થી ૨૦૨૬ સુધીની શાળાની સફળતાની સફર રજૂ કરી હતી. તેમણે શાળા વિકાસ માટે સામુદાયિક જોડાણ, ગ્રામજનો પાસેથી લોકફાળો અને દાન મેળવવાની વ્યૂહરચનાઓ તેમજ સ્ટાફના સહયોગ વિશે વિગતવાર માહિતી આપી હતી.
મુલાકાતીઓએ શાળાના વિજ્ઞાન, ગણિત, ભાષા, અંગ્રેજી, બાલવાટિકા અને પ્રજ્ઞા વર્ગખંડોમાં દિવાલો પર આકર્ષક રીતે તૈયાર કરાયેલા “બોલતા વર્ગખંડો” (TLM) નું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ ગામના સરપંચશ્રી અને તલાટીના માર્ગદર્શન હેઠળ સંવાદ સત્ર યોજાયો હતો, જેમાં એન.આર.આઈ ફંડિંગ, સ્વચ્છતા અભિયાન અને મધ્યાહ્ન ભોજન ઓડિટ જેવી સફળ પદ્ધતિઓની ચર્ચા કરવામાં આવી હતી. અંતમાં નેત્રંગ ટીમ દ્વારા યજમાન શાળાના સ્ટાફને સ્મૃતિચિહ્ન (Memento) અર્પણ કરાયું હતું.
આ પ્રવાસથી પ્રેરિત થઈને તમામ સભ્યોએ પોતાના ગામની શાળાઓ માટે ‘સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન’ તૈયાર કરવાનો અને શૈક્ષણિક માળખું સુધારવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો.










