વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

વાવ-થરાદ જિલ્લામાં ઓછા વરસાદને પગલે ઘાસચારાની અછતનો સામનો કરી રહેલા પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા રૂ.2 પ્રતિ કિલોના ભાવે ઘાસચારો ઉપલબ્ધ કરાવવા માટે આજથી ઘાસ ડેપો શરૂ કરવામાં આવ્યા છે. થરાદની I.T.I. ખાતે તેમજ રાહ ખાતે ઘાસ ડેપો કાર્યરત કરવામાં આવ્યા છે.
ડેપો ખાતે આજ સાંજથી પૂરતા પ્રમાણમાં ઘાસચારો ઉપલબ્ધ કરાવવામાં આવનાર હોવાથી જરૂરિયાતમંદ પશુપાલકોને મોટી રાહત મળવાની આશા છે.
જિલ્લા ભાજપ પ્રમુખ નરેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, ઓછા વરસાદને કારણે જિલ્લામાં લાખો પશુપાલકો સામે ઘાસચારાની સમસ્યા ઊભી થઈ હતી. આ અંગે થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત બાદ રાજ્ય સરકારે રૂ.2 પ્રતિ કિલોના ભાવે ઘાસચારો આપવાનો નિર્ણય લીધો છે.
નરેશભાઈ ઠાકોરના જણાવ્યા મુજબ ઘરદીઠ ઓછામાં ઓછા પાંચ પશુઓ માટે ઘાસચારો મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઘાસ ડેપો શરૂ થતાં પશુપાલકો અને ગૌસેવકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.
ઘાસ ડેપોની વ્યવસ્થા બદલ જિલ્લા ભાજપ પ્રમુખ નરેશભાઈ ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો વાવ-થરાદ જિલ્લા વતી આભાર વ્યક્ત કર્યો હતો.










