લુણાવાડા ખાતે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ હેઠળ ભોજન વિતરણ કેન્દ્રનું લોકાર્પણ કરાયુ.
અમીન કોઠારી મહીસાગર

ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ હેઠળ નવા ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ ભોજન વિતરણ કેન્દ્રનો લોકાર્પણ સમારોહ જિલ્લા પ્રભારી અને મંત્રી પી. સી. બરંડાના અધ્યક્ષસ્થાને ગરિમાપૂર્ણ અને ઉત્સાહસભર માહોલમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે મંત્રીના હસ્તે કેન્દ્રનું વિધિવત ઉદ્ઘાટન કરી ઉપસ્થિત શ્રમિક ભાઈ-બહેનોને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના નિર્માણ અને સર્વાંગી વિકાસના સાચા ઘડવૈયા એવા બાંધકામ ક્ષેત્રના શ્રમિકોના પરસેવાનું સન્માન કરવું અને તેમના પરિવારને ગુણવત્તાયુક્ત પોષણ પૂરું પાડવું એ રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ અંતર્ગત ઈ-નિર્માણ કાર્ડધારક શ્રમિકો તેમજ તેમના પરિવારજનોને માત્ર ₹૫/- ના ટોકન દરે શુદ્ધ, પૌષ્ટિક અને ગુણવત્તાસભર ગરમ ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. લુણાવાડા ખાતે શરૂ થયેલા આ કાયમી કેન્દ્ર થકી સ્થાનિક તેમજ આસપાસના કડિયાનાકા પર આવતા શ્રમિકોને રોજીંદા ધોરણે મોટી આર્થિક રાહત અને પોષક આહાર મળી રહેશે.
કાર્યક્રમ દરમિયાન પ્રભારી મંત્રીએ બાંધકામ શ્રમિકોના સ્વાસ્થ્ય રક્ષણ માટે કાર્યરત ‘ધન્વંતરિ આરોગ્ય રથ’ની વિશેષ મુલાકાત લીધી હતી. તેમણે સ્થળ પર ઉપલબ્ધ પ્રાથમિક સારવાર, વિનામૂલ્યે દવાઓ અને આરોગ્ય તપાસની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ ઉપસ્થિત તમામ શ્રમિકોને અનુરોધ કર્યો હતો કે તેઓ કામના સ્થળે જ આરોગ્ય તપાસની સુવિધા પૂરી પાડતા ધન્વંતરિ રથનો અચૂક લાભ લે અને પોતાની તંદુરસ્તીની કાળજી રાખે.
ઉલેખનીય છે કે, મહીસાગર જિલ્લામાં સંતરામપુરના સરદાર પટેલ સર્કલ પાસે ધારાસભ્ય ડો. કુબેરભાઈ ડિંડોરે ભોજન કેન્દ્રનું લોકાર્પણ કર્યું આ ઉપરાંત બાલાસિનોરના નિશાળ ચોક, જૂના પોલીસ સ્ટેશન પાસે, કડાણા ડેપો પાસે, ખાનપુરના બાકોર બસ ડેપો પાસે અને વીરપુરના ૧૨ ગોળી, ભાગોળ દરગાહ રોડ ખાતે પણ સ્થાનિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા હતા.
આ લોકાર્પણ સમારોહમાં મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી (DDO) યુવરાજ સિદ્ધાર્થ, જિલ્લા પોલીસ અધિક્ષક (SP) સફીન હસન, સ્થાનિક પદાધિકારીઓ, સંબંધિત વિભાગોના અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં બાંધકામ શ્રમિક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રમિકોને સ્નેહપૂર્વક ગરમ ભોજન પીરસવામાં આવ્યું હતું.










