અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસાના રાણાસૈયદમાં પોલીસની મોટી કાર્યવાહી, કતલના ઇરાદે બાંધી રાખેલા 50 ગૌવંશ બચાવાયા – LCB, SOG, પેરોલ-ફર્લો સ્કોડ સહિતની ટીમોની સંયુક્ત કાર્યવાહી
મોડાસા: અરવલ્લી જિલ્લામાં ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી અને કતલ સામે પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી અંતર્ગત મોડાસાના રાણાસૈયદ વિસ્તારમાંથી કુલ 50 જીવિત ગૌવંશને બચાવવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ ગૌવંશને કતલ કરવાના ઇરાદે ઘાસચારા અને પાણીની વ્યવસ્થા વિના બાંધી રાખવામાં આવ્યા હોવાની માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા અને મોડાસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. વાઘેલાની આગેવાનીમાં તા. 1 ઓક્ટોબર 2026ના રોજ વહેલી સવારે 4:30 વાગ્યે મોડાસા ડિવિઝન કક્ષાએ સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યવાહી માટે LCB, SOG, પેરોલ-ફર્લો સ્કોડ તેમજ મોડાસા ડિવિઝનના વિવિધ પોલીસ સ્ટેશનોના અધિકારીઓ અને કર્મચારીઓની બે ટીમો બનાવવામાં આવી હતી. એક ટીમ પહાડપુર રોડ તરફથી અને બીજી ટીમ રાણાસૈયદ ચોકડી તરફથી રાણાસૈયદ ગામમાં પ્રવેશી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.સર્ચ દરમિયાન પોલીસને 30 ગાય, 4 બળદ અને 16 વાછરડા મળી કુલ 50 જીવિત ગૌવંશ મળી આવ્યા હતા. પોલીસે તમામ ગૌવંશને કબજામાં લઈ બચાવ્યા હતા. પોલીસ મુજબ આ ગૌવંશની કુલ કિંમત આશરે રૂ.2.29 લાખ છે.
આ મામલે પોલીસે ઇશાક હસન મુલતાની, ઝાકીર કાદર મુલતાની, ભુરીયા રમજાની મુલતાની, શોયેબ હસનભાઈ મુલતાની, અજીત મુલતાની, મોહસીન સાકીર મુલતાની, અનીશ ઉર્ફે ચોર મુલતાની અને ફયાઝ મુલતાની, તમામ રાણાસૈયદ, મોડાસા વતની સહિત કુલ 8 આરોપીઓ તથા અજાણ્યા ઇસમો વિરુદ્ધ પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસની આ કાર્યવાહીથી રાણાસૈયદ વિસ્તારમાં ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી અને કતલ માટેની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.










