વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ
બિલીમોરા તરફથી સુરત જતી પીકઅપમાંથી 1,632 બોટલ વિદેશી દારૂ ઝડપાયો; એક આરોપીની ધરપકડ, અન્ય આરોપીઓ વોન્ટેડ
ગણદેવી પોલીસ સ્ટેશનની ટીમે દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે કાર્યવાહી હાથ ધરીને રૂ.10.51 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે ખારેલ ઓવરબ્રિજના દક્ષિણ છેડે નાકાબંધી ગોઠવી આ કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, સફેદ રંગની મહિન્દ્રા BOL MAXX PUP HD 2.0L SXI પીકઅપ વાન નંબર GJ-21-Z-1487માં શાકભાજીની ખાલી કેરેટની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવીને લઈ જવામાં આવતો હતો. વાહનમાંથી કુલ 1,632 બોટલ, 293.760 લીટર દારૂ, જેની કિંમત રૂ.3,46,800, મળી આવી હતી. પોલીસે દારૂ ઉપરાંત આશરે રૂ.7 લાખની પીકઅપ વાન, એક મોબાઇલ ફોન અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ.10,51,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ કેસમાં આનંદ ઉમાશંકર પાંડે (ઉ.વ.30), વ્યવસાયે ડ્રાઇવર, રહે. બિલીમોરાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર/મંગાવનાર તરીકે પારુલબેન વિનોદભાઈ વાઘેલા સહિત અન્ય બે વ્યક્તિઓ પોલીસ તપાસમાં વોન્ટેડ હોવાનું જણાવાયું છે. આ મામલે ગણદેવી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 116(B), 98(2) અને 81 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આગળની તપાસ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર કે.આર. નાયકા ચલાવી રહ્યા છે.પોલીસની આ કામગીરીમાં પી.આઈ. એન.આઈ. રાઠોડ, પી.એસ.આઈ. કે.આર. નાયકા સહિત ગણદેવી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.










